મુંબઇ,ભારત હવે દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની ગયો છે. ચીનને પાછળ છોડી વસતી મામલે ભારત હવે ૩ મિલિયન આગળ નીકળી ગયું છે. આ અંગે કેટલાક લોકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે મોટું નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારે તેની સત્તાનો ઉપયોગ કરીને એવા સાંસદો અને ધારાસભ્યોના સભ્યપદ રદ કરી દેવા જોઇએ જેમના ૩ કે તેનાથી વધુ બાળકો છે.
અજિત પવારે બારામતીમાં એક સામાજિક કાર્યક્રમને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. એનસીપી નેતાએ કહ્યું કે આપણા દેશની વસતી દરરોજ વધતી જઈ રહી છે. જ્યારે રાજ્યમાં વિલાસરાવ દેશમુખ હતા ત્યારે એવા લોકપ્રતિનિધિઓને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો જેમના ૩થી વધુ બાળકો હતા. અમે એ નિર્ણય સાવચેતીપૂર્વક લીધો હતો પણ અમુક લોકો જાણવા માગે છે કે એ સાંસદો અને ધારાસભ્યોને કેમ હટાવાતા નથી જેમના ૩ બાળકો છે.
તેમણે કહ્યું કે હું એવા લોકોને જણાવી દેવા માગુ છું કે ધારાસભ્યો અને સાંસદોને અયોગ્ય જાહેર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય છે. કેન્દ્ર સરકાર આવા સાંસદો અને ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરીને તેની સત્તાનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે દેશની વસતી ૧૪૨ કરોડ થઈ ચૂકી છે. આટલી ઝડપથી વધેલી વસતી માટે આપણે જ જવાબદાર છીએ. કોઈપણ ધર્મ કે પંથના લોકોએ એવું ન માનવું જોઈએ કે બાળકો ભગવાનના આશીર્વાદ હોય છે. છેવટે બાળક ભગવાનનું આશીર્વાદ કેવી રીતે હોઈ શકે? તેમણે કહ્યું કે ફક્ત એવા લોકોને છૂટ મળવી જોઈએ જેમને એક બાળક હતું અને બીજી વખતમાં તેમને જોડિયાં બાળકો જન્મ્યાં.