નવીદિલ્હી,દેશમાં કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પબ્લિક ચેરીટેબલ ફંડ પીએમ કેર્સ (પીએમ કેર્સની રચના કરાઈ હતી. આ ફંડમાં શૅરબજારમાં લિસ્ટેડ સરકારી કંપનીઓએ બે વર્ષમાં અંદાજે રૂ. ૨,૯૧૩.૬ કરોડનું દાન આપ્યું છે તેમ એનએસઈ પર લીસ્ટેડ કંપનીઓ પર નજર રાખતી primeinfobase.com દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે.
આ ડેટા પરથી જાણવા મળે છે કે વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૧-૨૨માં પીએમ ફંડમાં યોગદાન આપનારી ટોચની પાંચ સરકારી કંપનીઓમાં ઓએનજીસી (એએનજીસી (રૂ. ૩૭૦ કરોડ), એનટીપીસી (રૂ. ૩૩૦ કરોડ), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (રૂ. ૨૭૫ કરોડ), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઇઓસી- રૂ. ૨૬૫ કરોડ) અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (રૂ. ૨૨૨.૪ કરોડ)નો સમાવેશ થાય છે. ટોચની આ પાંચ કંપનીઓના અંદાજે રૂ. ૧૫૦૦ કરોડ સહિત કુલ ૫૭ સરકારી કંપનીઓએ પીએમ કેર ફંડમાં રૂ. ૨,૯૧૩.૬ કરોડનું યોગદાન આપ્યું છે. આ સાથે બે વર્ષમાં પીએમ કેર ફંડને કુલ રૂ. ૪,૯૧૦.૫ કરોડનું દાન મળ્યું હતું, જે દર્શાવે છે કે સરકારી કંપનીઓએ સમીક્ષા હેઠળના સમયમાં ૫૯.૩ ટકા દાન આપ્યું છે. પીએમ કેર ફંડને કંપનીઓ દ્વારા આ દાન સીએસઆર હેઠળ આપવામાં આવે છે.
એનએસઇ બીએસઇ લિસ્ટેડ કંપનીઓએ તેની સીએસઆર પ્રવૃત્તિઓ હેઠળ ખર્ચ કરવામાં આવેલા ભંડોળની નિયામકો અને શૅરધારકોને માહિતી આપવાની હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૨૨માં સીએસઆર ખર્ચ અંગે કંપનીઓએ તેમના વાર્ષિક અહેવાલોમાં ફરજિયાત આપવાની માહિતી માટેના ધોરણોમાં સુધારો કર્યો છે. આ નવા ધારાધોરણોના પ્રકાશમાં સીએસઆર ખર્ચની ચકાસણીનું મહત્વ વધી જાય છે.
ડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ જણાવ્યું હતું કે સીઆરએસ જોગવાઈઓમાં તાજેતરના સુધારાઓ પછી કંપનીઓની સીએસઆર પ્રવૃત્તિ હેઠળના ખર્ચની માહિતી જાહેર કરવામાં પારદર્શિતા ઘટી છે. કંપનીઓએ હવે શૅરધારકોને તેમનો સીએસઆર ખર્ચ ક્યાં થઈ રહ્યો છે તેની વધુ માહિતી આપવાની જરૂર રહી નથી. ફંડમાં કંપનીઓ ઉપરાંત વ્યક્તિઓ અને અન્ય સંસ્થાઓ પણ દાન આપે છે. પીએમ કેર ફંડે ૨૦૧૯-૨૦માં રૂ. ૩,૦૭૬.૬ કરોડ એકત્ર કર્યા હતા, જે ૨૦૨૦-૨૧માં વધીને રૂ. ૧૦,૯૯૦.૨ કરોડ થયા હતા, પરંતુ ૨૦૨૧-૨૨માં તેને મળતા દાનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે ઘટીને રૂ. ૯,૧૩૧.૯ કરોડ થયું હતું. આ માહિતી ફંડની વેબસાઇટ પર પ્રકાશિત કરાઈ છે.
દેશમાં કોરોના જેવી કોઈપણ ઈમર્જન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે સમર્પિત ભંડોળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી દ્વારા પીએમ કેર ફંડની રચના કરાઈ હતી. આ ફંડમાં પહેલાં વર્ષે મોટાભાગની રકમ કોર્પોરેટ ઈન્ડિયાના CSR બજેટમાંથી આવી હોવાનું જણાય છે. માર્ચ ૨૦૨૦ માં સ્થાપના કરવામાં આવી ત્યારથી ફંડ, તેને મળતી રકમ અને તેના દ્વારા ખર્ચાતી રકમ વિવાદોમાં રહી છે.ફંડમાં કુલ સીએસઆર યોગદાન ૧,૫૭૭.૮ કરોડ રૂપિયા હતું. જોકે, ૨૦૨૦-૨૧માં એનએસઇ-લિસ્ટેડ કંપનીઓનું કુલ સીએસઆર યોગદાન વધીને રૂ. ૨,૪૭૧.૬ કરોડ થયું છે. ૨૦૨૧-૨૨ માટે આંકડો ૮૬૧.૧ કરોડ રૂપિયા હતો. ફંડે ૨૦૧૯-૨૦માં કાર્યરત થયેલા થોડા દિવસોમાં રૂ. ૨,૦૪૯ કરોડનો ખર્ચ કર્યો હતો. પછીના વર્ષોમાં ફંડ દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમમાં વધારો થયો હતો. જેમ કે, ૨૦૨૦-૨૧માં ફંડે રૂ. ૩,૯૭૬ કરોડ જ્યારે ૨૦૨૧-૨૨માં રૂ. ૩,૭૧૬.૩ કરોડનો ખર્ચ કર્યો હતો.