મુંબઇ,મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથના નેતાઓ અવાર-નવાર એકબીજા પર આ વાતને લઈને ઉમટી પડે છે કે અસલી શિવસેના કોણ છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એકબીજા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સીએમ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, તમે વારંવાર મર્દ હોવાની વાત કરો છો, શું કોઈ શંકા છે તમને?
એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અહીંના લોકોનો પ્રેમ જોઈને પાકિસ્તાન પણ કહેશે કે અસલી શિવસેના કોની છે. તેમના નિવેદન પર શિંદેએ કહ્યું કે જો ઉદ્ધવને અસલી શિવસેના જાણવા માટે પાકિસ્તાનનું પ્રમાણપત્ર લેવું પડે તો આનાથી મોટી દુર્ભાગ્ય શું હોઈ શકે. આનાથી બાળાસાહેબનું હૃદય કેટલું દુખ્યું હશે તે કહેવાની જરૂર નથી.
ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા શિંદેએ કહ્યું કે તમે મુંબઈમાં હનુમાન ચાલીસા વાંચનારાઓ સામે કેસ કરો છો. જ્યારે, તમે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કરનારા દાઉદ સાથે જોડાયેલા લોકોની સાથે બેઠા છો. તમે યાકુબ મેમણની કબરને સુશોભિત કરો છો. તમે ખરેખર કહી દીધુ કે, અસલી શિવસેના માટે પાકિસ્તાનનું પ્રમાણપત્ર જરૂરી છે, આનાથી વધુ કમનસીબી બીજી શું હોઈ શકે?
એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતુ કે, કેટલાક લોકોએ અમારી સાથે દગો કર્યો. અમે ચૂંટણીમાં ટિકિટ આપી. તેઓ જીત્યા પણ પછીથી તેમણે દગો કર્યો. તેઓ બીજે ક્યાંક જતા રહ્યાં. જો કે આનાથી અમને બહુ ફરક પડતો નથી, જનતાનો પ્રેમ મારી સાથે છે. ઉદ્ધવે દાવો કર્યો કે શિંદે અને ફડણવીસની સરકાર ટૂંક સમયમાં પડી જવાની છે.
હકીક્તમાં, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો અને શિવસેનાના અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. શિંદેના આ બળવાને કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી. આ સાથે જ શિંદે બીજેપી સાથે ગઠબંધન કરીને રાજ્યના સીએમ બની ગયા છે. ત્યાર બાદ અવારનવાર ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે અને ભાજપ ઉપર વાકપ્રહારો કરતા આવ્યા છે.