અતીકની ઓફિસમાં છરી-લોહીના ડાઘા મળ્યા:સાડી અને બંગડીઓ પણ મળી, ૩૨ દિવસ પહેલાં અહીંથી ૭૪ લાખની રોકડ મળી હતી

પ્રયાગરાજ,પ્રયાગરાજના ચકિયામાં માફિયા અતીક અહેમદની ખંડેર થયેલી ઓફિસમાં સોમવારે ઠેર-ઠેર લોહી ફેલાયેલું જોવા મળ્યું હતું. સીડી પર લોહીના તાજા ડાઘ છે. પહેલા માળેથી એક મહિલાની સાડી અને કેટલાક અન્ડરગાર્મેન્ટ્સ મળ્યાં હતાં. પોલીસને શંકા છે કે અહીં એક મહિલાની હત્યા કર્યા બાદ તેની લાશ બહાર ફેંકી દેવામાં આવી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ તપાસ કરી રહી છે કે લોહી કેટલું જૂનું છે. પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. મીડિયાકર્મીઓ પાસેથી ઓફિસ ખાલી કરાવવામાં આવી છે.

અતીકની આ એ જ ઓફિસ છે, જ્યાં પોલીસે દરોડો પાડીને ૭૪ લાખ ૭૨ હજાર રૂપિયા અને ૧૦ પિસ્તોલ જપ્ત કરી હતી. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ચકિયા કરબલામાં અતીક અહમદની આલીશાન ઓફિસને તોડી પાડી હતી. ત્યારથી એ ખાલી પડી હતી.

એસીપી કોતવાલી સતેન્દ્ર પી. તિવારીએ જણાવ્યું હતું કે સૂચના મળતાં જ પોલીસ પહોંચી ગઈ હતી. નીચે સીડીઓ પર, ઉપરના માળની સીડીઓ પર, રૂમમાં અને રસોડામાં લાલ રંગના ડાઘા જોવા મળ્યા હતા. ફોરેન્સિક ટીમો તપાસ કરશે કે આ ડાઘા લોહીના છે કે અન્ય કંઈક. લોહીના ડાઘા છે તો કોનું લોહી છે, આ પણ તપાસનો વિષય છે. નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે. જોવામાં આવશે કે તાજેતરમાં કોઈ વ્યક્તિ અંદર ગઈ છે કે કેમ?

અતીક અહેમદની ઓફિસનો આગળનો ભાગ બે વખત તોડી પાડવામાં આવ્યો છે. એક વખત ૨૦૦૬માં બસપા સરકારમાં અને બીજી વખત ૨૦૨૦માં ભાજપની સરકાર હતી. પીડીએએ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ઓફિસ તોડી પાડી. જો કે, પાછળનો ભાગ તોડી દેવામાં આવ્યો હતો. આ પાછળના ભાગમાં ઉમેશ પાલની હત્યા બાદ રોકડ અને હથિયારો મળ્યાં હતાં.

લગભગ છ કલાકની કાર્યવાહી બાદ ગેરકાયદે રીતે બાંધવામાં આવેલો ભાગ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો હતો. પીડીએ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામ હટાવવા અંગે અતીક અહેમદને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેણે એની અવગણના કરી હતી, જેના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.