અમદાવાદમાં બે એજ્યુકેટેડ સગા ભાઈઓએ શરૂ કર્યું નકલી દારુનું કારખાનું

દારૂબંધીવાળા ગુજરાતમાં અવાર નવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. તો રાજ્યમાં કેટલીક જગ્યા પર ચાલતા દારૂના અડ્ડાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આગમી દિવસોમાં 31 ડિસેમ્બર નજીક હોવામાં કારણે રાજ્યમાં બુટલેગરોના દારુ ઘૂસાડવાના મનસુબા સફળ ન થાય તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલા જ નકલી દારુ બનાવવાનું એક કારખાનું PCB પોલીસે ઝડપી પાડ્યું છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને PCBએ દારુ બનાવતા કારખાના પર રેડ કરીને દારુની ભરેલી અને ખાલી બોટલો સહિત 1,89,784 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બે આરોપીઓ સગા ભાઈ હોવાનું પોલીસને જાણવા માળ્યું હતું.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં નકલી દારુ બનાવવાનું કારખાનું ચાલતું હોવાની માહિતી PCBને મળી હતી. તેથી પોલીસ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તની સુચનાથી PCBના PI એ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંબાવાડી પાસે આવેલા કમલા એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. પોલીસને એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી નકલી દારુ બનાવવાનું કારખાનું મળી આવ્યું હતું.

PCBની રેડ દરમિયાન ઘટના સ્થળ પરથી દારુની ભરેલી 152 બોટલ, 235 ખાલી બોટલ, અલગ-અલગ બ્રાંડના 60 સ્ટીકર અને 60 બૂચ મળી આવ્યા હતા. પોલીસે કબજે કરેલા આ મુદ્દામાલની કિંમત 1,89,784 રૂપિયા થવા પામે છે. રેડ દરમિયાન પોલીસના હાથે આ ફ્લેટમાંથી નકલી દારુ બનાવતા બંટી જૈન અને ટીનો જૈન નામના બે ઇસમો મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં આ બંને ઇસમો સગા ભાઈ હોવાનું સામે આવ્યું હતું. તેથી પોલીસે બંટી અને ટીના જૈનની ધરપકડ કરીને દારૂના મુદ્દામાલને કબજે કર્યો હતો.

પોલીસે બંને ભાઈઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંટીએ MBA કર્યું છે અને ટીનાએ ગ્રેજ્યુએશન કર્યું છે અને તેમના પિતા મહેન્દ્ર જૈન પણ નકલી દારુ બનાવવાનું કામ કરતા જતા અને તેમના પર પણ ભૂતકાળમાં એક કેસ થયો છે. પિતાનું કામ જોઈએ ભણેલા-ગણેલા બંને ભાઈએ આ કામ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે આગામી દિવસોમાં માહિતી મેળવવાનો પ્રયાસ કરશે કે, આ બંને ભાઈ છેલ્લા કેટલા સમયથી દારૂ બનાવતા હતા અને આ નકલી ઈંગ્લીશ દારૂનું વેચાણ કોને-કોને કરતા હતા.