
મુંબઇ,આઇપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે લલિત મોદી વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. બિનશરતી માફી માંગ્યા બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી બંધ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભવિષ્યમાં લલિત મોદી એવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે જેનાથી ન્યાયતંત્રની છબી ખરાબ થાય. લલિત મોદીએ ગયા મંગળવારે બિનશરતી માફી માંગી હતી. ૧૩ એપ્રિલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રની છબીને કલંક્તિ કરનાર ટ્વિટ માટે માફી માંગતી ટ્વિટ કરી હતી.
અગાઉ જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે કહ્યું હતું કે લલિત મોદી કાયદા અને સંસ્થાથી ઉપર નથી અને આવા વર્તનનું પુનરાવર્તન ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે તેમને માફી માગતા પહેલા એફિડેવિટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં એવી કોઈ ટિપ્પણી (પોસ્ટ) નહીં કરે જેનાથી ભારતીય ન્યાયતંત્રની છબીને કલંક્તિ થાય. ત્યારપછી બેન્ચે એમ પણ કહ્યું હતું કે, ’અમે પ્રતિવાદી (લલિત મોદી) દ્વારા દાખલ કરાયેલ કાઉન્ટર એફિડેવિટનો અભ્યાસ કર્યો છે. અમે આપેલા ખુલાસાથી બિલકુલ સંતુષ્ટ નથી. અમારું માનવું છે કે સ્પષ્ટતાથી ન્યાયતંત્રની છબી પણ ખરડશે. આ મામલે સુનાવણીથે સ્થગિત કરતા બેન્ચે કહ્યું હતું કે, પ્રતિવાદીના વકીલ એ એમ સિંઘવીએ બારમાં જણાવ્યું છે કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બિનશરતી માફી માગવામાં આવશે જ્યાં તેમના ફોલોવર પણ છે અને દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, મદ્રાસ અને કોલકાતાની એડિશનના મુખ્ય અખબારોમાં પણ જાહેરાત દ્વારા માફી માગવામાં આવશે.