હિઝબુલ ચીફ સલાહુદ્દીન અને તેના પુત્રની સંપત્તિ જપ્ત કરાઇ

શ્રીનગર,નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહુદ્દીન અને તેના પુત્રની સંપત્તિ જપ્ત કરી છે. NIA એ જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આવેલી આ સંપત્તિઓને અટેચ કરવા અંગે એક બોર્ડ પણ લગાવ્યું છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, શ્રીનગરના નરસિંહ ગઢ, મોહલ્લા રામ બાગ સ્થિત સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ અહેમદ શકીલની મિલક્તો જપ્ત કરવામાં આવી છે. સૈયદ એક ઘોષિત કરાયેલ આતંકવાદી છે અને એનઆઇએએ તેની સામે યુએપીએ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે.

સૈયદ સલાહુદ્દીનને પાકિસ્તાને આશ્રય આપ્યો છે અને તે ઘણી વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્તો જોવા મળ્યો છે. સલાઉદ્દીને હિઝબુલ મુજાહિદ્દીનના લોન્ચિંગ કમાન્ડર બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમના જનાજામાં ખુલ્લેઆમ ભાગ લીધો હતો જે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના રહેવાસી આતંકવાદી બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝ આલમની પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

ઓગસ્ટ ૨૦૨૨માં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદ વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી હતી જેનાથી સલાહુદ્દીનને પણ નુક્સાન થયું હતું. તેમણે બિટ્ટા કરાટેની પત્ની, સૈયદ સલાહુદ્દીનના પુત્ર સહિત ચાર સરકારી કર્મચારીઓને ટેરર ઈકોસિસ્ટમમાં સંડોવાયેલા હોવાની જાણ થતા બરતરફ કર્યા હતા. તેમના પર આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ છે.

સૈયદ સલાહુદ્દીનનું સાચું નામ સૈયદ મોહમ્મદ યુસુફ શાહ છે. તે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો ચીફ છે જે કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે અને સરહદ પારથી આતંકવાદીઓને મોકલે છે. હિઝબુલ પહેલા તે ભારત વિરોધી આતંકવાદી જૂથ જેહાદ કાઉન્સિલનો પ્રમુખ રહી ચૂક્યો છે. ૨૦૧૭માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સલાહુદ્દીનને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.