
મુંબઇ,મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવો ગયો છે. શિવસેના નેતા સંજય રાઉતના દાવા પછી ઉદ્ધવ ઠાકરે ખૂબ જ ખુશ દેખાય છે કે, એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકાર પડી જશે. વાત જાણે એમ છે કે, જલગાંવ જિલ્લામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે અને તેમની પાર્ટી તેના માટે તૈયાર છે.
સંજય રાઉતે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેની સરકારનું ’ડેથ વોરંટ’ જારી કરવામાં આવ્યું છે. આગામી ૧૫-૨૦ દિવસમાં આ સરકાર પડી જશે. આ નિવેદન બાદ જ ઠાકરેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને અમને આશા છે કે, નિર્ણય અમારા પક્ષમાં આવશે. તે પછી ગમે ત્યારે કંઈપણ થઈ શકે છે.
ઠાકરેએ ટોણો માર્યો કે, રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું કે, શિંદેની પાર્ટીને કુલ ૨૮૮માંથી માત્ર ૪૮ બેઠકો જ ફાળવવામાં આવશે. શું ભાજપ માત્ર ૪૮ બેઠકો પર ચૂંટણી લડનાર વ્યક્તિના નેતૃત્વમાં ચૂંટણી લડશે? સીએમ શિંદે અને અન્ય બળવાખોર નેતાઓનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યું કે, તેમની પાર્ટી અને સમર્થકો ખાતરી કરશે કે ’દેશદ્રોહી’ રાજકીય રીતે સમાપ્ત થાય. તેમણે કહ્યું કે બધા જોશે કે તમે સમાપ્ત થઈ ગયા છો. વિશ્ર્વાસઘાતને કારણે રચાયેલા રાજ્ય સાથે લાગેલું કલંક અમે ધોઈ નાખ્યું છે. મહારાષ્ટ્ર દેશદ્રોહીઓની નહીં બહાદુર લોકોની ભૂમિ છે.
હકીક્તમાં શિવસેનાના એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર નેતાઓના એક વર્ગે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવ્યા પછી ઠાકરેને ગયા વર્ષે તેમના મુખ્યપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી શિવસેનાના બંને પક્ષો વચ્ચે તિરાડ પડી હતી. ઠાકરેની આગેવાની હેઠળના જૂથે આ વર્ષની શરૂઆતમાં આ જ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન ભારતના ચૂંટણી પંચએ શિંદે-જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી અને બંને જૂથોને નવા નામો ફાળવ્યા.