ગોવા: સેલ્ફી લેવાના ચક્કરમાં એક્સાથે ૪ લોકો જીવથી ગયા, હરમલ બીચ નજીક દરિયામાં ડૂબતા મોત

પણજી,ગોવામાં ઈદનાં બીજા દિવસે બીચ પર ફરવા ગયેલ ૪ લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે.પ્રાથમિક વિગતો મુજબ સેલ્ફી લેવાના ચક્કરમાં ચારેય વ્યક્તિ ડૂબ્યાં હોવાનું સામે આવ્યું છે. જોકે સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધી ૪ માંથી ૨ વ્યક્તિઓનાં મૃતદેહને શોધી લેવાયા છે. આ તરફ અન્ય બે વ્યક્તિઓનાં મૃતદેહની તલાશ યથાવત છે.

ગોવામાં ઈદના બીજા દિવસે ચાર સભ્યોના મોતથી મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વાત જાણે એમ છે, રવિવારે સાંજે હરમલ કેરી બીચ પર સેલ્ફી લેતી વખતે ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા હતા ઉત્તર ગોવાના હરમલ કેરીમાં ૨૩ લોકોનું જૂથ પિકનિક માટે ગયું હતું. કેટલાક નાના બાળકો સેલ્ફી લેવા માટે ખડક પર ચઢી ગયા હતા. દરમિયાન આવી ઘટના બની હતી. જેમાં જોરદાર મોજા સાથે પાણીમાં પડતાં ચાર લોકો ડૂબી ગયા હતા.

કેન્ડોલિમનો એક પરિવાર રમઝાનના બીજા દિવસે તેમના સંબંધીઓ સાથે કેલીને મળવા ગયો હતો. આમાંથી એક જૂથ પથ્થરો પર સેલ્ફી લઈ રહ્યું હતું. આ દરમિયાન મોહમ્મદ અલી (૨૫ વર્ષ), તબાકાસુત ફતુન (૧૨ વર્ષ), શકીલા અલી (૧૮ વર્ષ) અને મોહમ્મદ અલી (૧૬ વર્ષ) પાણીમાં ડૂબી ગયા હતા.

મહત્વનું છે કે,રવિવારે મોડી સાંજે બનેલી આ ઘટના બાદ પોલીસે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બે મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મેળવી છે. અન્ય બે મૃતદેહોની શોધખોળ ચાલુ છે. પેડને પોલીસે જણાવ્યું કે, મોહમ્મદ અલી અને તબાકાસુત ફટૂનના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ શકીલા અલી અને મોહમ્મદ અલીના મૃતદેહોની શોધ ચાલુ છે. તેમજ આ મામલે તપાસ હાથ ધરી છે.