
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા સિરાજ કાસ્કરનું પાકિસ્તાનના કરાચીમાં મોત થયું છે. સિરાજ કાસ્કરને કોરોના થયો હતો અને તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત થયું છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ મુજબ 38 વર્ષીય સિરાજ કાસ્કર દાઉદ ઈબ્રાહિમના મોટાભાઈ સાબિર કાસ્કરનો પુત્ર હતો.
પહેલા મુંબઈમાં સાબિર કાસ્કર જ દાઉદની ગેંગનું નેતૃત્વ કરી રહ્યો હતો પણ પઠાણ ગેંગના ઈશારા પર 12 ફેબ્રુઆરી 1981ના રોજ ગેંગસ્ટર માન્યા સુર્વેએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડ બાદ મુંબઈના અંડરવર્લ્ડમાં વર્ચસ્વની લડાઈ શરૂ થઈ હતી. આ ગેંગવાર બાદ દાઉદ મુંબઈ અંડરવર્લ્ડનો ડોન બની ગયો હતો.
મુંબઈ ક્રાઈમબ્રાંચના સૂત્રો મુજબ સિરાજ કાસ્કર કોરોનાથી સંક્રમિત હતો, જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા લઈ જવાયો હતો, ત્યારબાદ હાલત બગડવાને લઈ તેને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ લાઈફ સપોર્ટ પર રહ્યા બાદ તેનું મોત થયું.