
દુનિયાભરમાં કોરોના વાયરસે છેલ્લા એક વર્ષથી હાહકાર મચાવ્યો છે. એક વર્ષની અંદર દુનિયાના લાખો લોકોનો જીવ કોરોનાના કારણે ગયો છે. દુનિયાભરના તમામ લોકો કોરોનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બ્રિટનમાં 2500 લોકો એવા છે કે જેઓ સામે ચાલીને કોરોનાનો ચેપ લગાડશે. એટલે કે આ તમામ લોકોને કોરોના પોઝિટવ બનાવવામાં આવશે. જે માટે તેમને ચાર ચાર લાખ રુપિયા પણ આપવામાં આવશે.
આવતા મહિને લંડનમાં એક હ્યુમન ચેલેન્જ ટ્રાયલ થવા જઇ રહી છે. લંડનના રોયલ ફ્રી હોસ્પિટલમાં થવા જઇ રહેલા આ ટ્રાયલની અંદર લગભગ 2500 બ્રિટનના લોકો ભાગ લેશે. આ લોકોને કોરોના પોઝિટિવ બનાવ્યા બાદ તેમની ઉપર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. ત્યારબાદ જે પરિણામો આવે તેનું અવલોકન કરવામાં આવશે. જેના કારણે જાણી શકાય કે આ વેક્સિન કામ કરે છે કે નહીં. આ પહેલા પણ મેલેરિયા, ટાયફોડ અને ફ્લુ જેવી બિમારીઓ માટે આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આવી ટ્રાયલ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તેનાથી કોરોના વેક્સિનના કામમાં ઝડપ વશે. જે લોકો આ પ્રયોગમાં ભાગ લેશે તેમની ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હશે. આ ઉંમરના લોકોમાં કોરોનાના કારણે મોત થવાનું જોખમ સૌથી ઓછુ છે. આ તમામ લોકોને રોયલ ફઅરી હોસ્પિટલના સ્પેશિયલ વિભાગમાં રાખવામાં આવશે. બેથી ત્રણ અઠવાડિયાના આ પ્રયોગ માટે દરેક વ્યક્તિને 4000 પાઉન્ડ (ચાર લાખ રુપિયા) આપવામાં આવશે.
ઉલ્લેખની છે કે આ પ્રકારના પ્રયોગની શરુઆત 18મી સદીની અંદર એડવર્ડ જેનર નામના વિજ્ઞાનીએ કરી હતી. તેમણે બગીચામાં કામ કરી રહેલા પોતાના દીકરાને વાયરસનો ચેપ લગાવ્યો હતો, જેથી તેઓ પોતે બનાવેલી રસીનો તેના ઉપર પ્રયોગ કરી શકે.