મુંબઇ,દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે કરોડો રૂપિયાના સોનાની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. DRIએ આ કેસમાં મુંબઈના બે બિઝનેસમેનની ધરપકડ કરી છે. આ વેપારીઓ પાસેથી સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આ બંને બિઝનેસમેન પિતા-પુત્ર છે. તેમની પાસેથી આશરે રૂ. ૨૧ કરોડની કિંમતનું ૩૫ કિલો સોનું અને રૂ. ૨.૩ કરોડની રોકડ રકમ મળી આવી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં કરાયેલી કાર્યવાહીમાં આ સૌથી મોટી કાર્યવાહી છે. આ વેપારીઓ પાસે દાણચોરી માટે આટલું સોનું કેવી રીતે આવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.આ કાર્યવાહીને કારણે સોનું બજાર સાથે સંકળાયેલા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મુંબઈમાં, ડીઆરઆઈની ટીમે ગુરુવારે શહેરના ઝવેરી બજારમાં એક વેપારીની ઓફિસ પર દરોડા પાડીને ૨૩ કરોડ રૂપિયાની કિંમતનું ૩૭ કિલો સોનું જપ્ત કર્યું હતું. આ સાથે આ ધંધામાં સંડોવાયેલા પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે કસ્ટમ કાયદા હેઠળ આ ધરપકડ કરી છે. જે બે બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ સૂરજ ભોસલે (ઉંમર ૨૩) અને ધરમરાજ ભોસલે (ઉંમર ૫૨) છે. બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ બિઝનેસમેન પિતા-પુત્રને ડીઆરઆઈની કસ્ટડીમાં મોકલી દીધા છે. DRI સંસ્થા કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ વિભાગ હેઠળ કામ કરે છે. તે કસ્ટમ ચોરી કરનારાઓ પર નજર રાખે છે. ડીઆરઆઈની દેશભરમાં ૧૨ પ્રાદેશિક કચેરીઓ છે. તેમાંથી એક ઓફિસ મુંબઈમાં છે. આ કચેરી હેઠળ ચાર પ્રાદેશિક કચેરીઓનો સમાવેશ થાય છે. તેની નાગપુર, ગોવા અને પુણેમાં ઓફિસ છે.
ગયા મહિને ડીઆરઆઈએ પ્રશાંત માઈનકર નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. તે ગલ્ફ દેશોના પ્રવાસીઓ દ્વારા લાવેલા સોનાને ગુપ્ત રીતે પીગળાવતો હતો. મુંબઈમાં કાલબાદેવી ખાતે ભોસલે દ્વારા તેમને આ સુવિધા આપવામાં આવી હતી. જાન્યુઆરીમાં ડીઆરઆઈ ૩.૫ કરોડ રૂપિયાના સોનાની દાણચોરીની તપાસ કરી રહી હતી. ત્યારે જ આ મોટા રેકેટની સુરાગ મળી હતી. આ પછી કાલબાદેવીની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ૨૧ કરોડ રૂપિયાનું ૩૫ કિલો સોનું અને ૨.૩ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.