મુંબઇ,શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકારનું ડેથ વોરન્ટ ઇશ્યૂ થઈ ચૂક્યું છે અને આ સરકાર ૧૫-૨૦ દિવસમાં પડી જશે. સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, તેમની પાર્ટી કોર્ટની રાહ જોઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે, અમારી સાથે ન્યાય થશે. રાજ્યસભાના સાંસદ સુપ્રીમ કોર્ટના એ કેસની વાત કરી રહ્યા હતા, જેમાં શિવસેનાના ૧૬ બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતાનો નિર્ણય થવાનો બાકી છે.
શિવસેનાના ઘણા નેતાઓએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને માનવાની ના પાડતા પોતાનું સમર્થન એકનાથ શિંદે ગ્રુપને આપી દીધું હતું. ધારાસભ્યોની આ બળવા વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ૧૬ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માગ કરી હતી. સંજય રાઉતે કહ્યું કે, હાલના મુખ્યમંત્રી અને તેમની ૪૦ ધારાસભ્યોની સરકાર ૧૫ થી ૨૦ દિવસોમાં પડી જશે. આ સરકારનું ડેથ વોરંટ ઇશ્યૂ થઈ ચૂક્યું છે. હવે બસ નિર્ણય થવાનો છે કે તેના પર હસ્તાક્ષર કોણ કરશે.
ગયા વર્ષે જૂનમાં જ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ મહાવિકાસ અઘાડી સરકારમાં રહેતા બળવો કરી દીધો હતો. એકનાથ શિંદેએ શિવસેનાના ૩૯ ધારાસભ્યોને લઈને પોતાનું અલગ ગ્રુપ બનાવ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. એકનાથ શિંદે મહાવિકાસ અઘાડીને તોડવા અને ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન બનાવ્યું હતું. તેમણે તેની પાછળ વૈચારિક મતભેદો અને કોંગ્રેસ પાર્ટી અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) દ્વારા અનુચિ વ્યવહારને કારણ બતાવ્યું હતું. સાથે જ શિંદેએ તાત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પણ ઘણા આરોપ લગાવ્યા હતા.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ, સંજય રાઉતે આ અગાઉ શનિવારે દાવો કર્યો હતો કે ભાજપે મુખ્યમંત્રીને પોતાનો સામાન બાંધી લેવા કહ્યું છે. તેઓ એનસીપી નેતા અજીત પવારની આ ટિપ્પણી પર મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા કે, તેઓ મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા માટે તૈયાર છે. શુક્રવારે પિંપરી ચિંચવાડમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અજીત પવારે કહ્યું હતું કે ન માત્ર ૨૦૨૪માં, પરંતુ અત્યારે પણ હું મુખ્યમંત્રી પદ માટે દાવો કરવા માટે તૈયાર છું.