સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં યોજાયેલી બે દિવસીય ટેક્સ્ટાઈલ શિબીરમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનો દાવો

રાજકોટ,કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય ટેક્સ્ટાઈલ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ટેક્સ્ટાઈલને લગતા ઉદ્યોગકારો, ખેડૂત પ્રતિનિધિઓ, વેપારીઓએ સંવાદ કર્યો હતો અને વિચારોની આપલે કરી હતી. કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રી પિયુષ ગોયલે દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્ર તમિલ સંગમથી સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન લેતા ખેડૂતોને લાભ મળશે અને ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળશે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે બે દિવસીય શિબીરમાં ગુજરાત અને તમિલનાડુને ટેક્સટાઇલ હબ બનાવવાની અનેક યોજનાઓ અને અનેક આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પિયુષ ગોયલે કહ્યું હતું કે ગુજરાતનું હેન્ડલુમ અને હેન્ડીક્રાટ વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે ત્યારે તેને તૈયાર કરવા માટે રો મટિરીયલ્સ જે જોઇએ તે કપાસનો ભાવ છેલ્લા બે વર્ષથી ટેકાના ભાવ કરતા વધારે છે.

એક સમયે ખેડૂતને ભાવ મળતા ન હતા ત્યારે સરકારે મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી. હવે ખેડૂતોને ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળી રહ્યો છે. બે દિવસીય શિબીરમાં ઉધોગકારોનો જે ઉત્સાહ છે તે જોતા ખેડૂતોને કપાસમા બમ્પર ભાવ મળશે તેવો દાવો કર્યો હતો.

સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલી બે દિવસીય શિબીર બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ,જ્યોત્સનાબેન જરદોષ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા દેશભરના હેન્ડીક્રાટ-હેન્ડલુમ માટે ઓપન બજાર ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. આ અંગે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. દેશભરના કારીગરો-વેપારીઓને ગ્લોબલ માર્કેટ પુરૂ પાડશે. આ એપ્લિકેશનનું નામ ‘મારી પહેચાન આપણી ડિજિટલ દુકાન’ ટેગલાઇન રાખવામાં આવી હતી.

રાજ્ય સહિત દેશમાં જ્યાં કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. જે અંગે પિયૂષ ગોયલે કહ્યું હતું કે ગુલાબી ઇયળનો ઉપદ્રવ દૂર થાય તે માટે સરકાર ચિંતિત છે. સરકારે કૃષિવિભાગ સાથે મળીને અનેક બેઠકો કરી છે અને કૃષિ વિભાગના વૈજ્ઞાનિકો સાથે મળીને આ દિશામાં પ્રયત્નશીલ છીએ. જલદી સંશોધન થાય અને ગુલાબી ઇયળનો ઉપદ્રવ દૂર થાય તે દિશામાં પ્રયત્નશીલ છે.