ચીન ૨૦૨૭માં હુમલો કરશે: અમે યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ, : તાઈવાનના વિદેશ મંત્રી

બીજીંગ,તાઈવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ દાવો કર્યો છે કે ચીન ૨૦૨૭ સુધીમાં તેમના દેશ પર હુમલો કરશે. ચીનની સતત ધમકીઓ વચ્ચે વુએ શનિવારે એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું, ’અમે ચીનની સૈન્યની ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમને લાગે છે કે ૨૦૨૭ એ વર્ષ હશે જ્યારે અમારા પર હુમલો થઈ શકે છે. તાઈવાન આ લડાઈ માટે તૈયારી કરી રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે તેમના જેવી વિચારધારા ધરાવતા દેશો જ તાઈવાનને ચીનના હુમલાથી બચાવી શકશે. અહીં પોતાની વિચારધારાથી તેનો અર્થ બ્રિટન અને અમેરિકા છે. જેઓ તાઈવાનને સૈન્ય સહાય આપી રહ્યા છે.

તાઈવાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગે શુક્રવારે કહ્યું હતું કે જે લોકો તાઈવાનના મામલે આગ સાથે રમી રહ્યા છે તેઓ પોતાની જાતને બાળી લેશે. તેમણે વધુમાં કહ્યું કે ચીન ક્યારેય એવી કોઈ પણ વસ્તુને સ્વીકારશે નહીં જે તેમની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન કરે.

તે જ સમયે, તાઇવાનના વિદેશ પ્રધાન પહેલા, યુએસ ઇન્ટેલિજન્સ સીઆઇએ ડિરેક્ટર વિલિયમ બાયર્ને પણ દાવો કર્યો હતો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશની સેનાને ૨૦૨૭ સુધીમાં તાઇવાન પર કબજો કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.

અમેરિકાએ ૧૯૭૯માં ચીન સાથેના સંબંધો પુન:સ્થાપિત કર્યા અને તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા. જોકે, ચીનને વાંધો હોવા છતાં અમેરિકાએ તાઈવાનને શસ્ત્રોની સપ્લાય ચાલુ રાખી હતી. અમેરિકાએ પણ દાયકાઓથી વન ચાઈના નીતિનું સમર્થન કર્યું છે, પરંતુ તાઈવાનના મુદ્દે અસ્પષ્ટ નીતિ અપનાવી છે.

પ્રમુખ જો બાઇડેન હાલના તબક્કે આ નીતિમાંથી બહાર જતા હોય તેવું લાગે છે. તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકા તેના બચાવમાં આવશે. બાઇડેને શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખતા તાઇવાન સાથે યુએસ અધિકારીઓની ક્રિયાપ્રતિક્રિયામાં વધારો કર્યો.