શહેરા,શહેરા તાલુકાની બોરીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરૂદ્ધ કરાયેલ અવિશ્ર્વાસની દરખાસ્તને લઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા બોલાવાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતના તમામ 10 સભ્યોનું સરપંચને સમર્થન મળતા અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થઈ ન હતી.
શહેરા તાલુકાની બોરીયા ગ્રામ પંચાયતના 7 જેટલા સભ્યો દ્વારા ગત તા.29 માર્ચના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં બોરીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેઓના પતિ દ્વારા પંચાયત સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર એક તરફી વહીવટી કરતા હોય તેમજ સરપંચ પદે મહિલા સરપંચ હોવા છતાં તેઓના પતિ પંચાયતનો વહીવટી કરતા હોય અને નાણાંપંચના કામો કરેલ ન હોવા છતાં પંચાયત સભ્યોની જાણ બહાર નાણાં ઉપાડી લીધા હોવા બાબતે મહિલા સરપંચ કાળીબેન ધામોત વિરૂદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જે સંદર્ભે શુક્રવારના રોજ બોરીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી એમ.એમ.ડામોરની હાજરીમાં અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કાળીબેન ધામોત સહિત ગ્રામ પંચાયતના 10 સભ્યો હાજર રહ્યા હતા. ત્યારબાદ સરપંચ સામે કરાયેલી અવિશ્ર્વાસની દરખાસ્તને લઈ મતદાન શરૂ કરવામાં આવતા ગ્રામ પંચાયતના તમામ 10 સભ્યોએ હાથ ઉંચા કરીને સરપંચની તરફેણમાં મતદાન કર્યું હતું. જેની સામે સરપંચની વિરૂદ્ધમાં મતદાન નહીં થતાં અવિશ્ર્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો. આમ, બોરીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં સરપંચ સામે કરાયેલ અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર ન થતા મહિલા સરપંચ કાળીબેન રમેશભાઈ ધામોતે હાશકારો અનુભવ્યો હતો અને તેઓ સરપંચ પદે ચાલુ રહેશે.