નવીદિલ્હી,દિલ્હીની સાકેત કોર્ટના પરિસરમાં એક મહિલાને ગોળી મારી દેવાનો મામલો સામે આવ્યો છે. આ હુમલાખોર વકીલના ડ્રેસમાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. મહિલા પર તેણે ૪ ગોળીઓ ચલાવી હતી. મહિલાની હાલત ગંભીર જણાવાઈ રહી છે અને તેને સારવાર અર્થે એઈમ્સ ખસેડવામાં આવી હતી. આ મહિલા કોર્ટમાં સાક્ષી પૂરતા આવી હતી. આરોપીની ઓળખ કોઈ હિસ્ટ્રીશિટર તરીકે થઈ હોવાની માહિતી મળી છે.
શુક્રવારે દિલ્હીની સાકેત કોર્ટ પરિસરમાં કોર્ટ ખુલતાની સાથે જ ફાયરિંગની ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી. ફાયરિંગ શરૂ થતાં જ લોકો ભયભીત થઈ ગયા અને પોતાનો જીવ બચાવવા માટે જ્યાં ત્યાં ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ ઘટના બની હોવાનું નિવેદન આપવા માટે એક મહિલા આજે કોર્ટમાં પહોંચી હતી. ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીના એક કેસમાં મહિલા સાક્ષી છે. મહિલા શુક્રવારે પોતાનું નિવેદન આપવા કોર્ટમાં પહોંચી હતી.