સમલૈંગિક લગ્ન મામલે સળંગ ચોથા દિવસે સુનાવણી,સોમવાર સુધી ૧૩ અરજદારો દલીલ કરશે, શું લગ્ન માટે અલગ જેન્ડર જરૂરી છે? : સુપ્રીમ

  • સુપ્રીમ કોર્ટની ટિપ્પણી – લગ્નની વિભાવનાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવી પડશે

નવીદિલ્હી,સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી ૨૦ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી કરશે. આ કેસમાં છેલ્લા ૩ દિવસથી સતત સુનાવણી ચાલી રહી છે. લગભગ ૪ કલાક સુધી અરજદારોની દલીલો વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે શું લગ્ન જેવી સંસ્થા માટે બે અલગ-અલગ જેન્ડર પાર્ટનર હોવું જરૂરી છે ? ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે હવે ૧૩ અરજદારોને વધુ દલીલ કરવાની મંજૂરી આપી છે. આ સુનાવણી કોઈપણ સંજોગોમાં ૨૪ એપ્રિલ એટલે કે સોમવાર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની પાંચ જજોની બંધારણીય બેંચ કરી રહી છે.

ત્રીજા દિવસની સુનાવણી પૂરી કરીને, સીજેઆઇ ચંદ્રચુડે વધુ દલીલો માટે ૧૩ વકીલોને નામ આપ્યા. એમ પણ કહ્યું કે અરજદારો વતી દલીલો કોઈપણ સંજોગોમાં સોમવારે સમાપ્ત થશે. આ માટે વકીલોએ પોતાની વચ્ચે ચર્ચા કરીને સમયને વિભાજીત કરવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતા સેમ સેક્સ મેરેજ પર કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી સહિત ઘણા વકીલો સમલૈંગિક લગ્નની તરફેણમાં અરજીઓનો બચાવ કરી રહ્યા છે.

સુનાવણી દરમિયાન, અરજદારોના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, તે મારો (અરજી કરનારાઓનો) નિર્ણય હશે. તે મારા દિલનો નિર્ણય હશે. હું કોની સાથે અને કેટલા સમય સુધી જીવીશ, તે મારો અધિકાર છે. હું શા માટે એક મહિના પહેલાં દુનિયાને જણાવું? અગાઉથી કે અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. સ્પેશિયલ મેરેજ એક્ટની આ જોગવાઈ ગેરબંધારણીય છે કારણ કે તમે લગ્નની ઔપચારિક્તા પહેલાં મારી ગોપનીયતાનું ઉલ્લંઘન કરી રહ્યાં છો. તમે મને મારો ઈરાદો વ્યક્ત કરવા અને વિરોધને આમંત્રણ આપવા માટે કહો છો.

લગ્નને વંશ આગળ વધારવાના દૃષ્ટિકોણથી જોવું ખોટું છે: કેવી વિશ્ર્વનાથન અન્ય અરર્જીક્તા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કે.વી.વિશ્ર્વનાથને કહ્યું, લગ્નને વંશ આગળ વધારવાના દૃષ્ટિકોણથી જોવું તદ્દન ખોટું છે. તે લોકો કહે છે કે તમે લોકો વંશને આગળ વધારી શક્તા નથી. શું લગ્નનો દરજ્જો ન આપવા પાછળનું આ કારણ યોગ્ય હોઈ શકે છે? શું વૃદ્ધ લોકો લગ્ન નથી કરતા? જેમને બાળકો નથી તેમને લગ્ન કરવા દેવાની મંજુરી આપવી જોઈએ નહીં?

કેન્દ્રએ ૧૮ એપ્રિલે દલીલ કરી હતી કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ એ શહેરોના ઉચ્ચ વર્ગની વિચારસરણી છે. આ અંગે અરર્જીક્તાના વકીલ રાજુ રામચંદ્રને કહ્યું- ૧૯૫૬માં જસ્ટિસ વિવિયન બોઝે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે બંધારણ સામાન્ય માણસ માટે, ગરીબો માટે, વેપારી માટે, ક્સાઈ માટે, બ્રેડ બનાવનાર માટે અને મીણબત્તી બનાવનાર માટે છે.

રાજુ રામચંદ્રને કહ્યું કે આજે હું જે લોકો માટે કોર્ટમાં હાજર છું, તે લોકો માટે આજે અહીં તેનો ઉલ્લેખ કરવો મને મહત્વપૂર્ણ લાગે છે. અરજદારોમાં એક દલિત મહિલા કાજલ છે. પંજાબના એક શહેરની છે. બીજી અરજી કરનાર ભાવના હરિયાણાના બહાદુરગઢની રહેવાસી છે અને ઓબીસી છે. ભાવના ચંદીગઢમાં એકાઉન્ટન્ટ છે અને કાજલ બેકરીમાં આસિસ્ટન્ટ છે. આ અરજદારોની હાજરી એ ખ્યાલને દૂર કરે છે કે સમલૈંગિક લગ્નની કાયદેસરતા એ શહેરી ભદ્ર વર્ગનો મત છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમલૈંગિક લગ્નની માન્યતા પર કહ્યું, હવે આપણે લગ્ન વિશે બદલાતી માન્યતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવી પડશે, કારણ કે પ્રશ્ર્ન એ છે કે શું લગ્ન માટે એવા બે જીવનસાથી હોવું જરૂરી છે જે અલગ-અલગ જેન્ડરના હોય. ? અહીં કાયદો તે માનવા માટે સક્ષમ છે કે લગ્ન માટે બે અલગ-અલગ જેન્ડર હોઈ શકે છે, પરંતુ લગ્નની વ્યાખ્યા માટે આ જરૂરી નથી.