કોલકતા,ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે જો હું લોકશાહી રીતે મમતા બેનરજીને હરાવવામાં નિષ્ફળ રહીશ તો રાજકારણ છોડી દઈશ. તેમણે તૃણમૂલ કોંગ્રેસને તેમની એ ટિપ્પણી પર કોર્ટમાં ઢસડી જવાનો પડકાર ફેંક્યો જેમાં તેમણે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટીએમસીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો જાળવી રાખવા માટે ફોન કર્યો હતો.
શુભેન્દુ અધિકારીએ એક ભાષણમાં કહ્યું કે જો હું મમતા બેનરજીને લોકશાહી રીતે હરાવવામાં અને તેમને પૂર્વ મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ જઈશ તો હું રાજકારણ છોડી દઈશ. મમતા બેનરજીએ બુધવારે કહ્યું હતું કે જો તે સાબિત થશે કે તેમણે અમિત શાહને ટીએમસીનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો રદ કરવા માટે ફોન કર્યો છે તો તેઓ રાજીનામું આપી દેશે.
ટીએમસીએ એક પત્ર દ્વારા અધિકારીને તેમના ’ખોટા અને બદનક્ષીભર્યા દાવાઓ’ પાછા ખેંચવા કહ્યું અને તેમને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી. પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસની રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પુન:સ્થાપિત કરવા માટે અમિત શાહના હસ્તક્ષેપની માંગણી કરવાના તેમના દાવાઓ પર મુખ્યમંત્રી મમતા બેનરજીને તેમની સામે કાનૂની કેસ દાખલ કરવા પડકાર્યા પછી તરત જ તૃણમૂલ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ માત્ર પોકળ ધમકીઓ આપી રહ્યા છે. અભિષેક બેનર્જીએ મીડિયાને કહ્યું અમારા મુખ્યમંત્રીએ બુધવારે કહ્યું હતું કે જો અધિકારીના દાવા સાબિત થશે તો તેઓ રાજીનામું આપી દેશે. વિપક્ષના નેતાઓ વારંવાર દાવો કરે છે કે તેઓ ટૂંક સમયમાં મમતા બેનરજીને ’પૂર્વ’ મુખ્યમંત્રી બનાવશે. તેથી, તેમના માટે આ પ્રાપ્ત કરવાની આ સુવર્ણ તક છે. તેમને પુરાવા આપવા દો અને તેમનું લક્ષ્ય હાંસલ કરવા દો.