- તમામ 10 સભ્યોનું સમર્થન મળતા આશ્ચર્ય ફેલાયું
- 29 માર્ચે 7 સભ્યોએ TDOને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી
બોરીયા પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ 29 માર્ચે 7 સભ્યોઅે TDOને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. અવિશ્વાસની દરખાસ્તને લઈ પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા બોલાવાઈ હતી. જેમાં તમામ 10 સભ્યોનું સરપંચને સમર્થન પ્રાપ્ત થતા આશ્ચર્ય સર્જાયુ હતુ. અવિશ્વાસની દરખાસ્તનો ગુબ્બારો ફૂટ્યો હતો.
શહેરા તાલુકાની બોરીયા પંચાયતના 7 જેટલા સભ્યો દ્વારા ગત તા.29 માર્ચે શહેરા ટીડીઓ સમક્ષ પંચાયતના મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ હતી. જેમાં બોરીયા પંચાયતના મહિલા સરપંચ અને તેઓના પતિ દ્વારા પંચાયત સભ્યોને વિશ્વાસમાં લીધા વગર એકતરફી વહીવટ કરતા હોય તેમજ સરપંચ પદે મહિલા સરપંચ હોવા છતાં તેઓના પતિ પંચાયતનો વહીવટી કરતા હોય અને નાણાંપંચના કામો કરેલ ન હોવા છતાં પંચાયત સભ્યોની જાણ બહાર નાણાં ઉપાડી લીધા હોવા બાબતે મહિલા સરપંચ કાળીબેન ધામોત વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જે સંદર્ભે શુક્રવારે બોરીયા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી એમ.એમ. ડામોરની હાજરીમાં અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સામાન્ય સભાની બેઠક બોલાવી હતી.
જેમાં પંચાયતના મહિલા સરપંચ કાળીબેન ધામોત સહિત પંચાયતના 10 સભ્યો હાજર રહ્યા હતા. ત્યારબાદ સરપંચ સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્તને લઈ મતદાન શરૂ કરવામાં આવતા ગ્રામ પંચાયતના તમામ 10 સભ્યોએ હાથ ઉંચા કરીને સરપંચની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે અવિશ્વાસની તરફેણમાં મતદાન નહીં થતાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો.
આમ બોરીયા ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલી સામાન્ય સભામાં સરપંચ સામે કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થતા મહિલા સરપંચ કાળીબેન રમેશભાઈ ધામોતે હાશકારો અનુભવ્યો હતો. વધુમાં અંદાજિત 4 માસ અગાઉ પણ આ રીતે સભ્યો દ્વારા અવિશ્વાસ અને કામગીરીમાં ગેરરીતિની ફરિયાદ કરી અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા. અામ બંને વખતે અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થતા વિરોધીઓમાં સોંપો પડી ગયો હતો.