દિલ્હીમાં રોડ કિનારે ખુરશી પર બેઠા રાહુલ ગાંધી : પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

નવીદિલ્હી,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે સાંજે દિલ્હીના મુખર્જી નગર પહોંચ્યા હતા. અહીં તેમણે યુનિયન પબ્લિક સવસ કમિશન (યુપીએસસી) અને સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી)ની સિવિલ સર્વિસીસ ભરતી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ૨૦૨૩ની યુપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા ૨૮ મેના રોજ છે. મુખર્જી નગરમાં રાહુલ વિદ્યાર્થીઓ સાથે રોડ કિનારે ખુરશી પર બેઠા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમની અપેક્ષાઓ અને અનુભવો વિશે પૂછ્યું હતું આ પહેલા મંગળવારે રાહુલે દિલ્હીના બંગાળી માર્કેટ અને ચાંદની ચોકમાં ગોલગપ્પા, ચાટ અને શરબતની મજા માણી હતી. તેઓ અહીં લોકો વચ્ચે ઘેરાયેલો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે ગઈકાલે સુરતની એક કોર્ટે તેમની મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાની તેમની અરજી ફગાવી દીધી હતી.

રાહુલ ગાંધીએ બંગાળી માર્કેટમાં નાથુ સ્વીટ્સમાં ગોલગપ્પા ખાધા હતા. ત્યારબાદ તે જૂની દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં ગયા, જ્યાં રમઝાન મનાવવામાં આવી રહી છે. ચાંદની ચોકમાં તેણે મોહબ્બત કા શરબત નામનું તરબૂચનું શરબત પીધું. આ પછી તેઓ અલ જવાહર રેસ્ટોરન્ટમાં કબાબ લેવા ગયા હતા. તેમની સાથે ફૂડ રાઈટર અને બ્લોગર કુણાલ વિજયકર પણ હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ૨૩ દિવસ પહેલા સોમવારે બે ચૂંટણી રેલીઓને સંબોધી હતી. ભાલકીમાં પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે મોદીજીએ ૧૫ લાખ રૂપિયાનું વચન આપ્યું હતું, શું ૧૫ લાખ રૂપિયા આવ્યા? એટલા માટે આપણે ભાજપની જેમ ખોટા વચનો ન આપવા જોઈએ. કોંગ્રેસ જે પણ વચનો આપશે તે સરકાર બનતાની સાથે જ પુરા કરવામાં આવશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બે ડેરી બ્રાન્ડ નંદિની અને અમૂલને લઈને રાજકારણ ચાલી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે નંદિની બ્રાન્ડનો આઈસ્ક્રીમ ખરીદ્યો હતો. તેમણે ડેરી બ્રાન્ડ નંદિનીને કર્ણાટકનું ગૌરવ ગણાવ્યું હતું.