ગોધરામાં આવેલ ઇદગાહ મસ્જિદમાં નમાજ઼ અદા કરાવી રહેલા મોલાનાનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન

રમઝાનનો મહિનો અલ્લાહની ઈબાદતનો મહિનો માનવામાં આવે છે. રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો કઠિન રોઝા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરે છે. રમઝાન ઈદની પંચમહાલ જિલ્લા સહિત રાજ્યભરમાં હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલા ઇદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ઼ ગોધરાના અબ્રારાર મસ્જિદના ઈમામ મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયા દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ બિરાદરોને નમાજ અદા કરાવી રહ્યા હતા.

ઇદની નમાજ઼ અદા કરાવ્યા બાદ મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયાને અચાનક હાર્ટ એટેકનો હુમલો થતા તેમનું ઇદગાની અંદર દુઃખદ અવસાન થયું હતું. જેથી હજારોની સંખ્યામાં નમાજ઼ અદા કરવા માટે આવેલા મુસ્લિમ બિરાદરોની ઇદની આનંદની લાગણી શોકમાં પલટાઇ ગઇ હતી. આ બનાવની જાણ પંચમહાલ જિલ્લાના પ્રશાસનને તથા તેઓ તાત્કાલિક ગોધરાના ઈદગાહ મહોલ્લા ખાતે પહોંચીને મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગોધરાના મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયાની સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં લોક ચાહના હતી. જ્યારે પણ વિદેશમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે તેમને પહેલા બોલાવવામાં આવતા હતા. ત્યારે આજે અચાનક ઇદની નમાજ અદા કર્યા બાદ તેમનું હાર્ટ એટેકના હુમલાથી દુઃખદ અવસાન થતા સમગ્ર મુસ્લિમ સમાજ સહિત દેશ વિદેશમાં તેમની લાગણી ધરાવનાર સમાજમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. ગોધરાના મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયાને બે વાગ્યાની આસપાસ ગોધરાના ટપલાની વાડી ખાતે કબ્રસ્તાનમાં તેમની અંતિમ ક્રિયા કરીને દફનવિધિ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના મુસ્લિમ બિરાદારો ઉપસ્થિત રહેશે.