કર્ણાટક ચૂંટણીમાં છેલ્લા દિવસે ૧૯૦૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

બેંગલુરુ,કર્ણાટકમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવા માટેની પ્રક્રિયા ગુરુવારે (૨૦ એપ્રિલે) પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બધા ઉમેદવારોએ પોતપોતાનું નામાંકન પત્ર સોંપવા માટે ૧૩થી ૨૦ એપ્રિલ સુધીનો સમય નિર્ધારિત કર્યો હતો. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યાનુસાર નામાંકન પત્ર દાખલ કરવાનું કામ શરૂ થયા પછી ૩૬૦૦થી વધુ ઉમેદવારોએ કુલ ૫૧૦૨ નામાંકન દાખલ કર્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસે ૧૯૦૦થી વધુ નામાંકન દાખલ કરવામાં આવ્યાં હતાં. આ નામાંકન પત્રોની તપાસ શુક્રવારે (૨૧ એપ્રિલ) થશે.ચૂંટણી મેદાનમાંથી નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ છે.

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૪૭૧૦ નામાંકનમાંથી ૩૩૨૭ પુરુષ ઉમેદવારોએ અને ૩૯૧ નામાંકનમાંથી ૩૦૪ મહિલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. જ્યારે એક અન્ય જાતિના ઉમેદવારે નામાંકન પત્ર ભર્યું છે, એમ મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ભાજપના ૭૦૭ ઉમેદવારોએ, જ્યારે કોંગ્રેસના ૬૫૧ અને જનતા દળ (એસ)ના ૪૫૫ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાં છે. છેલ્લા દિવસે અનેક અગ્રણી નેતાઓએ નામાંકન પત્ર ભર્યાં હતાં. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પારંપરિક સીટ પર તેમના ભાઈએ નામાંકન દાખલ કરીને સૌને ચોંકાવ્યા હતા. ડીકે સુરેશે કનકપુરા વિધાનસભા સીટ પરથી નામાંકન પત્ર કર્યું હતું. કેટલાક કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે સુરેશે શિવકુમારનું નામાંકન રદ થવાની સ્થિતિમાં બેકઅપ પ્લાન તરીકે અહીંથી નામાંકન દાખલ કર્યું છે.