
નવીદિલ્હી,હાલમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી માટે તમામ પક્ષો તૈયાર છે. રાજ્યના સત્તાધારી ભાજપે બધી જ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. દરમિયાન શિવામોગ્ગા વિધાનસભાની બેઠકને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ બેઠક પરથી ભાજપના પૂર્વ પ્રધાન કે એસ ઇશ્ર્વરપ્પાના દીકરાને ટિકિટ આપવામાં આવી નથી. તેની જગ્યાએ કોઇ બીજા જ ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે કે એસ ઇશ્ર્વરપ્પાએ નારાજગી વ્યક્ત કરી છે. હવે તેમને મનાવવા ખૂદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલ કરી છે. અને તેમણે શુક્રવારે કે એસ ઇશ્ર્વરપ્પાને ફોન કરી આ અંગે ચર્ચા કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કે એસ ઇશ્ર્વરપ્પાને ફોન કરી તેમની તબિયત અને પક્ષ અંગેની પૂછપરછ કરી હતી. કર્ણાટકની ચૂંટણી પહેલાં ભાજપ અંગે લોકોનો શું મત છે અને કેવી પ્રતિક્રિયા છે તે જાણી લેવાનો પ્રયત્ન કર્યો હતો. ફોન પર વાત કરતાં કે એસ ઇશ્ર્વરપ્પાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપના વિજય માટે સાથે મળીને કામ કરીશું તેવું આશ્ર્વાસન પણ આપ્યું છે. એટલું જ નહીં પણ તેમના આશીર્વાદની જરુર છે એમણ પણ કે એસ ઇશ્ર્વરપ્પાએ કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા બાદ કે એસ ઇશ્ર્વરપ્પા કહ્યું હતું કે મને ખૂદ વડા પ્રધાન ફોન કરશે તેવી અપેક્ષા નહતી. તેમના આ આહવાનને કારણે શિવમોગ્ગાની બેઠક જીતવાની પ્રેરણા મળી છે. કર્ણાટકમાં ભાજપની સરકાર ફરી સ્થાપવા માટે શક્ય એ બધા જ પ્રયત્નો કરીશું. ભાજપ દ્વારા બુધવારે વિધાનસભાની ચૂંટણી માટેની ચોથી અને છેલ્લી યાદી બહાર પાડ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કે એસ ઇશ્ર્વરપ્પા સાથે ફોન પર વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શિવમોગ્ગા મતદારસંઘમાંથી ચન્નાબસપ્પાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પ્રવર્તમાન વિધાનસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા કે એસ ઇશ્ર્વરપ્પાના દીકરા કે ઇ કાંતેશને ટિકિટથી બાકાત રાખવામાં આવ્યો છે. કર્નાટકના ઉપમુખ્ય પ્રધાન અને શિવમોગ્ગામાંથી પાંચવાર વિધાનસભ્ય બની ચૂકેલાં કે એસ ઇશ્ર્વરપ્પાએ આગામી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પોતાના દિકરા કે ઇ કાંતેશ માટે આ જ મતદારસંઘમાંથી ટિકિટ માંગી હતી, કારણ કે તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની ઘોષણા કરી હતી.