અદાણીએ મને મળવાનો પ્રયાસ કર્યો હતો :મારી પાસે તેમની સાથે વાત કરવા માટે કંઈ જ નથી; મહુઆ મોઇત્રા

કોલકાતા,તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને દરવાજો પણ મળ્યો નહીં. તેમાં પ્રવેશવાની તો દૂરની વાત છે. મારી પાસે તેમની સાથે વાતચીત કરવા માટે કંઈ જ નથી. મારું માનવું છે કે જ્યાં સુધી સરકાર અદાણી સંબંધિત કેસમાં પગલાં નહીં લે ત્યાં સુધી કોઈપણ નેતાએ તે વ્યક્તિ સાથે કોઈ સંબંધ રાખવો જોઈએ નહીં.

ટીએમસી સાંસદે એનસીપી નેતા શરદ પવારની ગૌતમ અદાણી સાથેની બેઠકની પણ ટીકા કરી હતી. શરદ પવાર અને અદાણીની મુલાકાતના સમાચાર શેર કરતાં તેમણે ટ્વિટર પર લખ્યું- અદાણી હમામમાં તો બધા જ નગ્ન છે. કોઈ માત્ર એવી આશા રાખી શકે છે કે એનસીપી પાસે જૂના સંબંધો પહેલા દેશને આગળ લઈ જવાની સારી સમજણ છે. મારી ટ્વીટ વિપક્ષની એક્તા વિરોધી નથી પરંતુ લોકહિતની તરફેણમાં છે.

આ પહેલા ગુરુવારે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સેબીના અધ્યક્ષને પત્ર લખીને પૂછ્યું હતું કે તમે અદાણી ગ્રૂપની કેટલીક કંપનીઓ સામે જે તપાસ શરૂ કરી છે તેની સ્થિતિ શું છે. પ્રિયંકાએ આ પત્ર ૧૮ એપ્રિલે લખ્યો હતો, જે તેણે ૨૦ એપ્રિલે ટ્વિટર પર શેર કર્યો હતો. પત્રમાં તેમણે સેબીને પૂછ્યું છે કે વર્ષ ૨૦૨૧માં તમે અદાણી ગ્રૂપની કેટલીક કંપનીઓ સામે તપાસ શરૂ કરી હતી. પરંતુ સેબીએ ન તો કોઈ ’ક્લોઝર રિપોર્ટ’ દાખલ કર્યો છે કે ન તો વિલંબ માટે કોઈ કારણ આપ્યું છે. તપાસની વિગતો અને તપાસ પૂર્ણ કરવામાં વિલંબના કારણો સામાન્ય જનતાને જણાવવા જોઈએ.

ભારતના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ૨૦ એપ્રિલના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક લગભગ ૨ કલાક ચાલી હતી. સવારે ૧૦.૧૦ વાગ્યે શરૂ થયેલી બેઠક બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલી હતી. આ મીટિંગ ખૂબ જ ગોપનીય રાખવામાં આવી હતી. તેથી જ વિગતો બહાર આવી નથી.