આઇપીએલ ૨૦૨૩: પંજાબ કિંગ્સ વિરુદ્ધ વિરાટ કોહલીએ બનાવ્યા બે નવા રેકોર્ડ, બની ગયો આઈપીએલનો ’કિંગ’

મુંબઇ,આઈપીએલ ૨૦૨૩ની ૨૭મી મેચમાં ગુરૂવારે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર રમાઈ હતી. આ મેચમાં પંજાબના કેપ્ટન સેમ કરને ટોસ જીત્યો અને આરસીબીને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બેંગલોર માટે ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ એક સાથે બે રેકોર્ડ પોતાના નામે કર્યાં છે.

વિરાટ કોહલીએ આ મેચમાં જ્યારે ૩૦ રન ફટકાર્યા તો તે આઈપીએલ ઈતિહાસમાં ૧૦૦ વખત ૩૦ પ્લસ સ્કોર બનાવનાર એકમાત્ર બેટર બની ગયો. તેણે અત્યાર સુધી આઈપીએલમાં ૫ સદી, ૪૮ અડધી સદી અને ૪૭ વખત ૩૦ રન પ્લસનો સ્કોર બનાવ્યો છે. કુલ મળીને વિરાટે હવે ૧૦૦મી વખત ૩૦ પ્લોસનો સ્કોર કર્યો છે. ત્યારબાદ શિખર ધવનનો નંબર આવે છે, જેણે ૯૧ વખત ૩૦ નો સ્કોર કર્યો છે.

વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ બેટિંગ કરતા ૪૭ બોલમાં ૫૯ રન ફટકાર્યા. તેની આ ઈનિંગમાં પાંચ ફોર અને એક સિક્સ સામેલ હતી. વિરાટે મેચમાં જ્યારે ત્રીજી બાઉન્ડ્રી ફટકારી તો તેના નામે આઈપીએલમાં ૬૦૦ ચોગ્ગા થઈ ગયા છે. હવે વિરાટના નામે આઈપીએલમાં ૬૦૨ ચોગ્ગા થઈ ગયા છે. આ સિવાય વિરાટે અત્યાર સુધી આઈપીએલમાં ૨૨૮ સિક્સ ફટકારી છે.

વિરાટ કોહલી માટે અત્યાર સુધી આઈપીએલની સીઝન શાનદાર રહી છે. તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ ૨૦૨૩માં પોતાની ચોથી અડધી સદી ફટકારી હતી. વિરાટે અત્યાર સુધી ૬ મેચમાં ૧૪૧.૯૪ની સ્ટ્રાઇક રેટથી ૨૬૪ રન ફટકાર્યા છે. આ દરમિયાન તેનો સર્વાધિક સ્કોર ૮૨ રન રહ્યો છે. વિરાટ પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી પાંચ સદી ફટકારી ચુક્યો છે.