દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોત નિપજ્યાનું જાણવા મળ્યું

દાહોદ,પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે સીંગવડ તાલુકાના જામદરા ગામે રોડ પર બનવા પામ્યો હતો. જેમાં એક મોટર સાયકલ ચાલક તેના કબજાની જીજે-20 બી.એ-0975 નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી જામદરા ગામે કરસણીને અડફેટમાં લેતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ સંબંધે જામદરા ગામના મરણજનાર મુળાભાઈ નારસીંગભાઈના મોટાભાઈ જવરાભાઈ નારસીંગભાઈ કરસણીએ નોંધાવેલ ફરિયાદને આધારે રંધીકપુર પોલીસે મોટર સાયકલ ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ફતેપુરા તાલુકાના પીપલારા ગામે માલજીભાઈ પુનાભાઈ એડના ઘર પાસે રોડ ઉપર ગઈકાલે બપોરે એક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું જીજે-20 વી-5928 નંબરનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ સામેથી આવતાં આર.જે.03 પી.એ-7356 નંબરની અતુલ શક્તિ રેકડાને જોશભેર ટક્કર મારતાં રેકડાના ચાલકન પીપલારા ગામના ડુંગરી ફળિયાના 40 વર્ષીય રામજીભાઈ માલાભાઈ કટારા રેકડામાંથી રોડ પર પટકાતાં શરીરે, ખભાની બાજુમાં પીઠના ભાગે તથા હાથે પગે ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે સારવાર માટે ફતેપુરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે લુણાવાડા ખાતે લઈ જતી વખતે રસ્તામાંજ તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે પીપલારા ગામના સવાભાઈ ચાલાભાઈ કટારાએ નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા પોલીસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.