31મી ડિસેમ્બરની ઉજવણી વિશ્વમાં દર વર્ષે ધામધૂમથી થતી હોય છે ત્યારે આ વર્ષે તહેવારોમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે જેનાં કારણે અમદાવાદમાં 31મી ડિસેમ્બરની ઉજવણી અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદના શહેરીજનોને તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ સૂચનો કર્યા હતા.
વૈશ્વિક મહામારી કોરોનાનાં કેસો અમદાવાદમાં વધે નહી તે માટે રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે ત્યારે રાત્રી કરફ્યૂમાં કોઈપણ શહેરીજનો ઘરની બહાર ન નીકળે તેમજ દિવસ દરમિયાન પણ કોઈપણ પ્રકારની પાર્ટી અથવા તો લોકોનું સમુહ એકઠુ ન થાય તે પ્રકારે આયોજન ના કરે તેવુ પણ ખાસ સૂચન કરાયુ છે. તેમજ 31મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસ ખડે પગે કામગીરી કરશે અને પાર્ટી પ્લોટ ક્લબ હાઉસ સહિતના તમામે તમામ વિસ્તારોમાં પોલીસની બાઝનજર રહેશે. 25મી ડિસેમ્બરે નાતાલનાં તહેવાર નીમીતે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પોલીસ કામગીરી કરશે.
તેમજ કોઈપણ સંજોગોમાં શહેરમાં દારૂ ધુસાડવાનો પ્રયાસ ન કરાય તે બાબતે વાહન ચેકિંગ સહિત શહેર પોલીસ ચારેતરફ નાકાબંધી કરીને કડક કાર્યવાહી હાથ ધરશે. કોરોનાં મહામારીમાં અમદાવાદમાં પોલીસે છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ કલમ 188 ના 47 કેસ, 50 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.
ઉપરાંત એપેડેમીક એકટ મુજબ 38 કેસ, 40 આરોપીઓની ધરપકડ, રાયોટિંગના ગુનામાં 19 આરોપીઓની ધરપકડ કરાઇ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ 2344 કેસ 2429 આરોપીઓ પકડ્યા હતા.
પોલીસે મોટર વિહીકલ એક્ટ મુજબનાં ગુનામાં 1047 જેટલા વાહનો ડિટેઇન, 1.10 કરોડથી વધુનો દંડ વસુલાયો, સીસીટીવી પરથી ટોળા ભેગા થયા હોય એવા 61 ગુના નોંધી 64 લોકોની ધરપકડ કરવામાં આવી.