કોંગ્રેસના નેતાએ માફિયા અતીકને ભારત રત્ન આપવાની કરી માંગણી

પ્રયાગરાજ,\અતીક અહેમદને ભારત રત્ન આપવાની માંગણી કરનારા કોંગ્રેસના નેતા રજ્જુ ભૈયા ઉર્ફે રાજકુમારને પાર્ટીએ છ વર્ષ માટે કાઢી મૂક્યા છે. પ્રયાગરાજ શહેર કોંગ્રેસ કમિટીના નગર અધ્યક્ષ પ્રદીપ કુમાર મિશ્ર ’અંશુમન’ નું કહેવું છે કે રાજરકુમારનું માનસિક સંતુલન ઠીક નથી. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેમાં રાજકુમાર અતીક અહેમદને ભારત રત્ન અપાવવાની માંગણી કરી રહ્યા હતા. ત્યારબાદ એક વધુ વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તેઓ અતીક અને અશરફની કબર પર તિરંગો બીછાવી રહ્યા હતા. સાંજ સુધીમાં રાજકુમારને અટકાયતમાં લેવામાં આવ્યા.

રાજકુમાર આઝાદ સ્કવેર વોર્ડ નંબર ૪૩થી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું કે અતીક અહેમદનું યોગી સરકારે મર્ડર કરાવ્યું છે. અતીક અહેમદ સાંસદ હતા. તેમને રાજકીય સન્માન સાથે દફનાવવા જોઈતા હતા. જ્યારે મુલાયમ સિંહ યાદવને પદ્મ વિભૂષણ મળી શકે તો અતીક અહેમદને ભારત રત્ન કેમ નહીં. ત્યારબાદ એક વધુ વીડિયો વાયરલ થયો જેમાં તેઓ બે કબરની સામે ઊભા છે. જેમાંથી એક પર તિરંગો બીછાવીને અતીક અહેમદ અમર રહેના નારા લગાવી રહ્યા છે. આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અંશુમને જણાવ્યું કે રજ્જુએ માફિયા અતીક પર જે નિવેદન આપ્યું તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. આ રજ્જુનું અંગત નિવેદન છે તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. પાર્ટીએ અનુશાસનાત્મક કાર્યવાહી કરતા રજ્જુની કોર્પોરેટરની ઉમેદવારી પણ પાછી લઈ લીધી છે.