ધોધંંબા,
છેલ્લા ૧૫ દિવસથી ઘોઘંબા વિસ્તારમાં આંતક મચાવનાર બે દીપડા પાંજરે પુરાયા દીપડાને પાંજરે પુરવા ગોધરા દાહોદ દેવગઢ બારીયા સહીત સુરત વનવિભાગની એક્સપર્ટ ટીમ લાગી હતી.
પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના ગોયાસુંડલ, કાંટાવેડા, પીપળીયા, તરવરિયા, સહિતના ગામોમાં છેલ્લા ૧ માસ ઉપરાંતના સમયથી દીપડાએ આતંક મચાવતા આ ગામોમાં અલગ અલગ ૬ જેટલા હુમલા કરીને ૨ માસુમ બાળકોના મોત નિપજાવ્યા હતા. જયારે ૪ જેટલા ઈસમોને ઈજાગ્રસ્ત કર્યા હતા. જયારે ૧ પશુ પણ મારણ કર્યું હતું , દીપડા દ્વારા હુમલાઓની સંખ્યા વધતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો જેને લઈને સ્થાનિક વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મૂકીને કાર્યવહી હાથધરી હતી. જેમાં સ્થાનિક વન વિભાગની ટીમને સફળતા ન મળતા સુરતના માંડવી વન વિભાગની ટીમ તેમજ વડોદરાની સામાજિક સંસ્થાની મદદ મેળવીને દીપડાને ઝડપી પાડવા માટે સઘન કાર્યવાહી હાથધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ૫ અલગ અલગ ટિમો બનાવીને દીપડાના પગમાર્ક મેળવી તેની અવરજવરની સંભવિત અલગ અલગ ૧૧ જગ્યાઓએ પાંજરા મૂકી કાર્યવાહી આરંભી હતી. જેમાં વન વિભાગને ૩ દિવસ બાદ પ્રથમ સફળતા ગઈકાલે સાંજે મળી હતી. જેમાં ગોયસુંદલ ગામ પાસે આવેલા વન વિસ્તારમાં મુકવામાં આવેલ પાંજરામાં ૬ વર્ષની ઉંમરનો નર જાતિનો દીપડો પાંજરે પુરાયો હતો. જેને હાલોલના ધોબીકુવા ખાતે આવેલા દીપડા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઇ જવાયો હતો. જયારે આજે વહેલી સવારે કાંટા વેડા ગામની સીમના અંતરિયાળ ડુંગર વિસ્તારમાં મુકવામાં આવેલા પાંજરામાં વધુ એક ૫ વર્ષની ઉંમરનો નર જાતિનો દીપડો પાંજરે પુરાયો હતો . આમ ૨૪ કલાકમાં ૨ દીપડા પાંજરે પૂરતા વન વિભાગ સહીત સ્થાનિકોએ રાહતનો શ્વાશ લીધો હતો. આજે ઝડપાયેલ દીપડો ખુબ જ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં હોઈ તેને બેભાન કરી સ્થાનિકોની મદદથી તેનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને ધોબીકુવા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે હવે વન વિભાગ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે આતંક મચાવનાર દીપડો ઝડપાયેલા ૨ દીપડામાંથી કયો દીપડો હતો.પાંજરે પુરાયેલ દીપડો અંદાજીત ૫ થી ૬ વર્ષ નો અને પુખ્ત નર દીપડો હોવા નો વન વિભાગદ્વારા પુષ્ટિ કરવામાં આવી છે
ગોયાસુંડલ અને કાંટાવેડા ગામ માં હુમલાઓ કરનાર પકડાયેલ બે માંથી એક દીપડો હોવાની શક્યતા બંને દીપડાના લક્ષણો અને ફૂટ માર્ક એક સરખા જ હોવાથી હુમલો કરનાર ચોક્કસ દીપડો કયો એ કહેવું મુશ્કેલ છે.
કાંટાવેડા ગામના ડુંગરાળ પ્રદેશ માંથી પકડાયેલ દીપડાનું પાંજરૂ બહાર કાઢવા માટે સ્થાનિક લોકોની મદદ લેવાની જરૂર પડી હતી. કલાકોની ભારે જહેમત બાદ દીપડાનું પાંજરૂ જંગલ વિસ્તાર માંથી બહાર કાઢવામાં આવ્યું હતું.