યમનમાં ચેરિટી ઇવેન્ટમાં નાસભાગ ૮૫નાં મોત,ભીડને કાબૂમાં લેવા માટે હુતિ સેનાએ ગોળીબાર કર્યો, ગભરાયેલા લોકોએ એકબીજાને કચડી નાખ્યા

  • યુનાઈટેડ નેશન્સ અનુસાર, યમનમાં લગભગ ૨૧ મિલિયન લોકોને સહાય અને રક્ષણની જરૂર છે.

સના,યમનની રાજધાની સનામાં રમઝાન મહિનાના છેલ્લા દિવસે જકાત એટલે કે આર્થિક સહાયના વિતરણના કાર્યક્રમમાં નાસભાગ મચી જવાને કારણે ૮૫થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ૩૨૨થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ૧૩ની હાલત ગંભીર છે. હૂતિ સેનાના ગૃહમંત્રાલયે કહ્યું કે, જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના ત્યાંના વેપારીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોએ ભાગ લીધો હતો.

હૂતિ સૈનિકોએ ભીડને કાબૂમાં લેવા હવામાં ગોળીબાર કર્યો, જેના કારણે પાવર લાઇનમાં વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટથી ગભરાઈ ગયેલા લોકો આમ-તેમ દોડવા લાગ્યા અને એકબીજાને કચડતા ગયા. બે દિવસ પછી જ ઈદ આવવાની છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને આ આર્થિક મદદ આપવામાં આવી રહી છે. યમન મીડિયાના જણાવ્યા અનુસાર, હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે દુર્ઘટના સમયે કેટલા લોકો હાજર હતા. જ્યાં આર્થિક સહાય આપવામાં આવી રહી હતી. તે એક નાનો રસ્તો હતો. લગભગ ૨ કિમીની લાંબી લાઇન હતી. વિવિધ સ્થળોએ આર્થિક સહાય આપવામાં આવી રહી હતી. તેથી જ લોકો પહેલાં પહોંચવાની ઉતાવળમાં હતા. વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા.

મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર અબ્દુલ-ખાલેક અલ-અઘરીએ નાસભાગ માટે ઇવેન્ટના આયોજકોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે જો આ ચેરિટી ઈવેન્ટ સ્થાનિક પ્રશાસન સાથે વાત કરીને કરવામાં આવી હોત તો આવી ઘટના ન બની હોત. આયોજકોએ અવ્યવસ્થિત રીતે ભંડોળ વહેંચવાનું કામ કર્યું.આ ઘટના પછી તરત જ, હૂતિ બળવાખોરોએ જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે શાળાને સંપૂર્ણપણે સીલ કરી દીધી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે કાર્યક્રમના બે આયોજકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

યમનની રાજધાની ૨૦૧૪ થી ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના કબજામાં છે. ત્યારે અહીં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. તેનું મૂળ શિયા-સુન્ની સંઘર્ષમાં છે. હકીક્તમાં, યમનની કુલ વસ્તીના ૩૫% લોકો શિયા સમુદાયના છે, જ્યારે સુન્ની સમુદાયના ૬૫% લોકો રહે છે. કાર્નેગી મિડલ ઈસ્ટ સેન્ટરના એક અહેવાલ મુજબ, બંને સમુદાયો વચ્ચે હંમેશા ઝઘડો રહ્યો હતો, જે ૨૦૧૧માં જ્યારે આરબ વસંતની શરૂઆત થઈ ત્યારે ગૃહ યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. ૨૦૧૪ સુધીમાં, શિયા બળવાખોરોએ સુન્ની સરકાર સામે મોરચો ખોલ્યો.

આ સરકાર પ્રમુખ અબ્દરાબ્બુ મન્સૂર હાદીના નેતૃત્વમાં હતી. હાદીએ ફેબ્રુઆરી ૨૦૧૨માં પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહ પાસેથી સત્તા આંચકી લીધી હતી, જેમણે આરબ સ્પ્રિંગ પછી લાંબા સમય સુધી સત્તા સંભાળી હતી. દેશ સંક્રમણમાંથી પસાર થઈ રહ્યો હતો અને હાદી સ્થિરતા લાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે જ સમયે સૈન્યનું વિભાજન થયું અને અલગતાવાદી હૂતિઓ દક્ષિણમાં એકત્ર થયા.

આરબ દેશો પર વર્ચસ્વ જમાવવાની હોડમાં ઈરાન અને સાઉદી પણ આ ગૃહયુદ્ધમાં કૂદી પડ્યા. એક તરફ હૂતિ બળવાખોરોને શિયા પ્રભુત્વ ધરાવતા દેશ ઈરાનનું સમર્થન મળ્યું હતું. તો સુન્ની બહુમતી ધરાવતા દેશ સાઉદી અરેબિયાની સરકાર. થોડા જ સમયમાં, હુથી તરીકે ઓળખાતા બળવાખોરોએ દેશના મોટા ભાગ પર કબજો કરી લીધો. ૨૦૧૫માં સ્થિતિ એવી બની ગઈ હતી કે બળવાખોરોએ સમગ્ર સરકારને દેશનિકાલ કરવાની ફરજ પાડી હતી.

આ સંઘર્ષ છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે યુદ્ધ બની ગયો છે. આમાં અત્યાર સુધીમાં ૧.૫૦ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં લડવૈયાઓ અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, યમનમાં લગભગ ૨૧ મિલિયન લોકોને સહાય અને રક્ષણની જરૂર છે. તેમાંથી ૧.૭ કરોડ લોકોની હાલત અત્યંત નાજુક છે. ફેબ્રુઆરીમાં, યુનાઇટેડ નેશન્સે કહ્યું હતું કે તેણે યમનને ૪.૩ બિલિયન ડોલરની સહાયનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાંથી માત્ર ૧.૨ બિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા છે