લંડન,બ્રિટનમાં મોંઘી ખાદ્ય ચીજોને કારણે માર્ચમાં સતત સાતમા મહિને ફુગાવો ૧૦ ટકાથી ઉપર રહ્યો હતો.ગયા મહિને દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવ ૪૫ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યા છે. ઉંચી મોંઘવારીના કારણે દેશમાં આજીવિકાનું સંકટ ઉભું થયું છે, જેના કારણે સરકારી કર્મચારીઓ સરકાર વિરુદ્ધ હડતાળ પર છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ખાદ્યપદાર્થોના ભાવમાં ૧૯.૨ ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ ૧૯૭૭ પછી ખાદ્ય ચીજોની કિંમતોમાં આ સૌથી મોટો ઉછાળો છે. એકંદરે, ગ્રાહક ભાવ-આધારિત ફુગાવો અગાઉના મહિના કરતાં માર્ચમાં નજીવો ઘટીને ૧૦.૧ ટકા થયો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે એકંદરે મોંઘવારી ઘટી છે. જોકે, અર્થશાીઓએ માર્ચમાં ફુગાવો ૯.૮ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ભારતમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવો માર્ચ ૨૦૨૩માં ઘટીને ૧.૩૪ ટકાના ૨૯ મહિનાના નીચા સ્તરે આવી ગયો છે.જારી કરાયેલા સરકારી આંકડા અનુસાર, ડબ્લ્યુપીઆઇ ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે ઉત્પાદિત વસ્તુઓ અને ઈંધણના નીચા ભાવને કારણે થયો હતો. જો કે આ સમયગાળા દરમિયાન ખાદ્ય ચીજોની મોંઘવારી વધી છે. માર્ચ ૨૦૨૩ એ સતત ૧૦મો મહિનો છે જ્યારે જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.આધારિત ફુગાવો ફેબ્રુઆરી ૨૦૨૩માં ૩.૮૫ ટકા અને માર્ચ ૨૦૨૨માં ૧૪.૬૩ ટકા હતો. દરમિયાન, ખાદ્ય ચીજોનો ફુગાવો ફેબ્રુઆરીમાં ૩.૮૧ ટકાથી વધીને માર્ચમાં ૫.૪૮ ટકા થયો હતો. જો તમે ભારતની સરખામણી બ્રિટન સાથે કરો તો સ્થિતિ ઘણી સારી દેખાશે. દેશમાં છૂટક મોંઘવારી પણ ઘટી છે. આ જ કારણ છે કે આ વખતે આરબીઆઇએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૩માં ફુગાવાના દરમાં ઘટાડો થવાના મુખ્ય કારણો મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ચીજવસ્તુઓ, કાપડ, બિન ખાદ્ય ચીજવસ્તુઓ, ખનિજો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ છે. ઈંધણ અને પાવર સેક્ટરમાં ફુગાવો ફેબ્રુઆરીમાં ૧૪.૮૨ ટકાથી ઘટીને માર્ચ, ૨૦૨૩માં ૮.૯૬ ટકા થયો હતો. ઉત્પાદિત ઉત્પાદનો ૦.૭૭ ટકા સસ્તા થયા, જેનો ફુગાવાનો દર ગયા મહિને ૧.૯૪ ટકા હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત છૂટક ફુગાવો પણ ફેબ્રુઆરીમાં ૬.૪૪ ટકાથી ઘટીને માર્ચમાં ૫.૬૬ ટકાના ૧૫ મહિનાના નીચા સ્તરે પહોંચી ગયો છે.