કાલોલ તાલુકા પંચાયતના મનરેગા વિભાગમાંં સિંચાઈ કુવાની મંજુરી માટે નાણાં લીધા બાદ પણ વધારે નાણાંની માંગણી કરતાં આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો

કાલોલ,કાલોલ તાલુકા પંચાયતના મનરેગા શાખા દ્વારા સિંચાઈ કુવાની યોજનામાંં બે લાભાર્થીઓએ અરજી કરેલ હોય કુવાની મંજુરી માટે મનરેગા શાખાના ટેકનીકલ અને રોજગાર સેવક દ્વારા 35,000/-રૂપીયા લાંચ લીધા બાદ વધુ નાણાંની માંગ કરતાં લાભાર્થીએ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો મચાવતાં મનરેગા શાખાના બે કર્મીઓ કચેરી માંથી નાશી છુટવા મજબુર બન્યા તાલુકા પંચાયત કચેરીમાં લાભાર્થીના ખુલ્લા આક્ષેપથી ભાગદોડ મચી જવા પામી છે.

મનરેગા યોજના અંતર્ગત સામૂહિક સિંચાઈ કુવાની યોજનામાં ખેડુતો કુવા બનાવવા માટે સામૂહિક અને સીંગલ લાભાર્થીને પણ મનરેગા વિભાગ દ્વારા લાભ આપવામાં આવતો હોય છે. સીંગલ સિંચાઈ કુવા માટે લાભાર્થીએ લાભ લેવા માટે સ્થાનિક ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી તાલુકા પંચાયતના મનરેગા વિભાગ મંજુરી માટે કાર્યવાહી કરવાની થતી હોય મનરેગા અંતર્ગતના સિંચાઈ કુવાની મંજુરી પહેલા મનરેગાના ટેકનિકલ અને ગ્રામ રોજગાર સેવકને એડવાન્સમાં લાંચ આપવી પડતી હોય છે. કાલોલ તાલુકાના એક ગામના લાભાર્થીએ સિંચાઈ કુવા મંજુર કરાવવા માટે ટેકનિકલ અને ગ્રામ રોજગાર સેવક દ્વારા 35,000/-રૂપીયાની લાંચ લેવામાં આવી હતી અને વધુ નાણાંની આ બન્ને મનરેગા શાખાના કર્મીઓ કરતા હોય જેને લઈ લાભાર્થી કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં આવીને હોબાળો મચાવતાં મનરેગા શાખાના લાંચીયા કર્મીઓનો ભાંડો ફુટી જતાં અને લાભાર્થીનો રોષ પારખી જઈને કચેરી છોડી નાશી છુટવા મજબુર બન્યા. મનરેગા શાખામાં લાભાર્થી લાંચના આક્ષેપને લઈ દોડધામ મચી જવા પામી.