નવસારી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂ.૧૧૦ કરોડના ખર્ચે ’પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ’વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વિકાસની ઈમારત ’પંચશક્તિ’ના પાયા પર રચેલી છે, જેના મીઠા ફળો રાજ્યની જનતાને મળી રહ્યા છે. પંચશક્તિ એટલે; ’જળશક્તિ, ઊર્જાશક્તિ, જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને જનશક્તિ’ થકી જ ગુજરાત વિકાસની રાહમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારે જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડી છે, જેના પરિણામે રાજ્યમાં પીવાના, ઘર વપરાશ અને સિંચાઈના પાણીની સમસ્યા ન રહે તે પ્રકારની નમૂનેદાર જળ વ્યવસ્થા ઉભી થઈ છે.’
મુખ્યમંત્રીએ ’પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર યોજનાની ઈ-તક્તીનું અનાવરણ અને પ્રોજેકટ સ્થળે ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે ચીખલી ખાતે રૂા.૩૬ કરોડના ખર્ચ નિર્માણ થનાર ૧૦૦ બેડની સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને જલાલપોર તાલુકાના અબ્રામા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહુર્ત કરાયું હતું, સાથોસાથ ગણદેવી અમલસાડ માર્ગ પર ધમડાછા પાસે અંબિકા નદી ઉપર ડૂબાઉ પુલના સ્થાને રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૩૯ કરોડના ખર્ચે નવનિમત હાઈલેવલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કસ્બાપાર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આયોજિત વિશાળ જનસમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શ્રેણીબદ્ધ ચેકડેમ, બોરીબંધ, સુજલામ-સુફલામ અને અન્ય બહુહેતુક યોજનાઓ, કેનાલ અને પાઈપલાઈન નેટવર્ક, સૌની યોજના, ટાઈડલ પ્રોજેક્ટ્સ જેવા જળસંચય, જળસિંચનના આયામોથી રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે.
મુખ્યમંત્રીએ પૂર્ણા રેગ્યુલેટર પ્રોજેક્ટથી નવસારી શહેર અને આસપાસના ૨૧ ગામોની જનતાને થનારા માતબર લાભ અંગે હર્ષ વ્યક્ત કરતાં કહ્યું કે, પ્રોજેક્ટથી ૧૮ કિમી લંબાઈનું વિશાળ જળાશય બનશે, જેમાં ૨૫૫૦ લાખ ઘન ફુટ મીઠા પાણીનો સંગ્રહ થશે. એટલું જ નહીં, આસપાસના ૨૧ ગામોની ૪૨૦૦ એકર જમીનને સિંચાઈનો ફાયદો થશે. દરિયાની ભરતીના પાણી નદીમાં પ્રવેશતાં અટકશે, જેના લીધે સપાટી પરની તેમજ ભૂગર્ભ જળની ખારાશ અને ખેતીલાયક ફળદ્રુપ જમીનને નુક્સાન થતું અટકશે, સાથોસાથ અહીં મીઠા પાણીના વિશાળ સરોવર બનતા આસપાસની જમીનનું ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે એમ જણાવતા મુખ્યમંત્રીએ પૂર્ણા નદીનું જળ નવસારી જિલ્લાના વિકાસનું અમૃત્ત બનશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા કહ્યું કે, રાજ્યમાં પીવાના કે સિચાઈના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે જળસંચય સહિત ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવાનું સરકારનું લક્ષ્ય છે. એક વર્ષ પહેલા બિલીમોરા પાસે કાવેરી નદી પર નિર્માણાધિન ’વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ’ સમયબદ્ધ કામગીરીના કારણે પૂર્ણતાના આરે છે. ’જે વિકાસકામોનું ખાતમુહુર્ત કરીએ એનું સમયબદ્ધ લોકાર્પણ કરવું’ એવી વડાપ્રધાનની આગવી કાર્યપ્રણાલીમાંથી પ્રેરણા મેળવીએ છીએ, વાઘરેચ ટાઈડલ તેની સાબિતી છે એમ તેમણે ગૌરવથી ઉમેર્યું હતું.