સુરતથી ગાંજો લઈને અમદાવાદ આવી રહેલા આરોપી ઝડપાયો, આરોપી ૧૩ વર્ષથી ગાંજાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું ખુલ્યુ

અમદાવાદ,છેલ્લા ૧૩ વર્ષથી ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા એક વ્યક્તિની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લઈ આવતો તે પણ છેલ્લા ૧૫ વર્ષથી ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યો હોવાનું સામે આવ્યુ છે.

આરોપી સલીમ પટેલ ઉર્ફે ચા વાલા અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં રહે છે. આરોપી સલીમ સુરતથી નેનો કારમાં ગાંજો લઈને આવવાની બાતમી મળતા જ SOGએ તેને જશોદાનગરથી ઝડપી પાડ્યો હતો. આરોપી સલીમ પાસેથી પોલીસને ૧૭ કિલો ગાંજો એટલે કે દોઢ લાખથી વધુની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. જે ગાંજાનો જથ્થો સુરતના એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પોતે જ ગાંજાનો ધંધો કરે છે અને વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સલીમ સુરતથી સસ્તા ભાવમાં ગાંજો લાવી અમદાવાદ વેચાણ કરતો હતો અને ત્રણ ગણી કમાણી કરતો હતો. સલીમ ગાંજાના ધંધા સાથે છેલ્લા ૧૩ જેટલા વર્ષથી જોડાયેલો છે. સલીમ સુરતના જે વ્યક્તિ પાસેથી ગાંજો લઈ આવે છે તે પણ ૧૫ વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. સલીમ પોતે પણ ગાંજાનો બંધાણી હોવાથી સુરતથી સસ્તા ભાવે ગાંજો લાવી પોતાના વ્યસન માટે રાખતો અને બાકીનો વેચી કમાણી કરતો હતો.

સલીમ અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. સલીમ અગાઉ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, દાણીલીમડા અને રાજકોટમાં એનડીપીએસ ઉપરાંત પ્રોહીબિશન અને હથિયારના ગુનામાં ઝડપાયો હતો. આરોપી પાસામાંથી બહાર આવે એટલે ફરી ડ્રગ્સનો ધંધો કરવાની ટેવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે એસઓજીએ સુરતના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.