ગોધરામાં શહેરા ભાગોળ અન્ડરપાસનું કામ શરૂ થતા દબાણો દૂર કરાયા.

  • લારી ગલ્લાઓ સહિત શાકભાજીના પથારાને ખસી જવા પાલિકા દ્વારા સૂચના અપાઇ હતી
  • પાલિકા વરસાદી કેનાલનું શિફ્ટિંગ નહી કરે તો કોન્ટ્રાક્ટર કામગીરી શરૂ કરી દેશે

ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટરની સમસ્યાનનુ નિરાકરણ લાવવા ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા સરકારમાંથી અંડરપાસ બનાવવા ગ્રાન્ટ મંજુર કરાવવામાં અાવી હતી. પરંતુ કેટલાક વિધ્નોને કારણે અંડરપાસનું કામ શરૂ થઇ શકતુ ન હતુ. જેને કારણે અંદાજીત રૂા.16.50 કરોડના ખર્ચે બનાવવાનું નકકી થયું હતું. જેના માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થતા અંડરપાસમાં પાટા નીચેનો ભાગ રેલ્વેના કોન્ટ્રાકટર તથા બીજો અન્ય ભાગ અાર અેન્ડ બી વિભાગના કોન્ટ્રાકટર કરશે તેવુ નક્કી થયા બાદ અંડરપાસ બનાવવાની શરુઅાત થતાં નગરજનોમાં ખુશી ફેલાઇ હતી.

ત્યારે અંડરપાસની કામગીરીમાં શહેરા ભાગોળ ફાટકની આજુબાજુ જે દબાણમાં આવતા લારી ગલ્લાઓ અને શાકભાજીના પથારાવાળાઓને જે જગ્યાએ અંડરપાસ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે જગ્યા ઉપરથી પોતાની લારી ગલ્લાઓ સહિત શાકભાજીના પથારાને અન્ય જગ્યાએ ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેને લઈને ફાટકની આજુબાજુ જે લોકોના દબાણ આવતા હતા, તેને સ્વેચ્છાએ પોતાના દબાણોને દૂર કર્યા હતા. તે સમયે પોલીસ તંત્ર પણ હાજર રહ્યુ હતુ. ગોધરા પ્રશાસન અને રેલવે તંત્રના અધિકારીઓ આવીને વરસાદી કેનાલને શિફ્ટિંગની કામગીરી વહેલી હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

શિફ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ અંડરપાસ બ્રીજની બનાવવાની કામગીરી હાથ ધરશે . પાલીકા દ્વારા વરસાદી કાસની શિફ્ટિંગની કામગીરી વહેલી કરવામાં નહીં આવે તો કોન્ટ્રાક્ટર દ્વારા અંડરપાસની કામગીરી ચાલુ કરી દેશે તેવુ જણાવ્યુ હતુ. જો કોન્ટ્રાક્ટર કામગીરી શરૂ કરી દેશે તો વરસાદી કાસનું પાણી રોડ ઉપર ફરી વળશે અને ત્યાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. જેથી વહેલી તકે વરસાદી કાંસની શિફ્ટિંગની કામગીરી ચાલુ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.