- તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં ગૌચર જમીનમાં તળાવ બનાવવાનું સામે આવતાં કાર્યવાહી.
- જેપુરા પંચાયતના સરપંચના ગેરવહીવટને લઈ પદ ઉપરથી દુર કરાયા.
- ગૌચર જમીનમાં પંચાયતે કરેલ ઠરાવ રદ કરી જમીનનો કબ્જો લેવાશે ?
- ગૌચરની જમીન પોલીકેબને 20 વર્ષ ફાળવવાના કિસ્સામાં તલાટી સામે કાર્યવાહી કેમ નહી તેવા પ્રશ્ર્નો ઉદ્દભવ્યા.
ગોધરા,હાલોલ તાલુકાની જેપુરા ગ્રામ પંચાયતના સરપંચે સરકારી ગૌચર જમીનના બે સર્વે નંબરો કોઈપણ પ્રકારની વહીવટી કે તાંત્રિક મંજૂરી મેળવ્યા વગર હાલોલ ઔદ્યોગિક વસાહતની પોલિકેબ કંપનીને 20 વર્ષ માટે ઉપયોગ કરવા આપી દીધી હતી. પોલિકેબ કંપનીએ જમીનમાં જેસીબી લગાવી સાફસફાઈ કરી જમીન ફરતે ફેનસિંગ કરી કબજો કરી લઈ જમીનમાં તળાવ વગેરે બનાવવની કામગીરી કરતા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ મળતાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને અંતે જેપુરા ગ્રામ પંચાયતના સરપંચને સરપંચ પદેથી હુકમ કરવામાં આવ્યો છે. દૂર કરવાનો.
હાલોલ તાલુકાના જેપુરા ગ્રામ પંચાયતના અનુસૂચિત જનજાતિના મહિલા સરપંચ શારદા જશવંતભાઈ નાયકે ગ્રામ પંચાયત હસ્તકની સરકારી ગૌચર જમીનના બે સર્વે નંબર ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને હાલોલની પોલિકેબ કંપનીને 20 વર્ષ માટે ઉપયોગ કરવા આપી દેવામાંઆવી હતી. આ મામલે લેખિત રજુઆત ગામના નાગરિક સંજય રાઠોડે હાલોલ તાલુકા પંચાયત કચેરીમાં કરી હતી.
હાલોલ તાલુકા વિકાસ અધિકારી તેજલ રાણાએ આ સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ કરતાં જેપુરા ગ્રામ પંચાયતની ગૌચર જમીન ઉપર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવેલા વિરાસત વનની બાજુના સર્વે નંબર – 12-અ કે જે નું ક્ષેત્રફળ 11-76-63 હેક્ટર આરે ચો.મીટર અને સર્વે નંબર-165 જેનુંક્ષેત્રફળ 1-35-57 હેક્ટર આરે ચો.મીટરની જમીન ઉપર બિન અધિકૃત રીતે પોલિકેબ કંપની દ્વારા સાફસફાઈ કરી તારની વાડ અને તળાવ બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી.
કામગીરી માટે પોલિકેબ કંપની પાસે વડી કચેરીની વહીવટી કે તાંત્રિક મંજૂરી અને દસ્તાવેજી કાગળો રજૂ કરવા જણાવ્યું હતું અને ત્યાં સુધી કામગીરી સ્થગિત કરવા જણાવ્યું હતું. તેમ છતાં આ સ્થળે કામગીરી ચાલું રાખવામાં આવી હોવાનું ટીડીઓના ધ્યાને આવતા. ગ્રામ પંચાયતના તલાટી પાસે સાધનિક કાગડો માંગતા આ ગૌચર જમીનના બે સર્વે નંબરો સરપંચ દ્વારા પોલિકેબ સોશિઅલ વેલ્ફેર ફાઉન્ડેશનના સહકારથી વિવિધ પ્રવૃત્તિઓ માટે 20 વર્ષના ઉપયોગ માટે ઠરાવ કરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચે મનસ્વી નિર્ણય લઈ સત્તાનો દૂર ઉપયોગ કરી આ ગૌચર જમીન પોલિકેબ કંપનીને સોશિઅલ વેલ્ફેર માટે આપી દેવતા અત્રેની તાલુકા પંચાયત કચેરી દ્વારા અહેવાલતૈયાર કરી જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ હાલોલ તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ આધારે સુનાવણી દરમ્યાન જેપુરા સરપંચ પાસે ખુલાસો માંગતા સરપંચે ખુલાસો રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું કે, આ જમીન ઉપર દબાણ ઉભા ન થાય અને પર્યાવરણનું જતન થાય તે માટે પોલોકેબ કંપનીના સોસીયલ વેલ્ફેર ફાઉન્ડેશનના સહકારથી અહીં વૃક્ષો રોપવાની કામગીરીઓ માટે આ ગૌચરજમીનના સર્વે નંબરો ગ્રામ પંચાયત હસ્તક રાખીને કંપનીને 20 વર્ષ માટે વૃક્ષ રોપણ અને અન્ય ઉપયોગ માટે આપવામાં આવ્યા હોવાનો જવાબ રજૂ કર્યો હતો અને ગામમાં પશુઓની સંખ્યાની સામે પર્યાપ્ત ગૌચર હયાત હોવાની દલીલ રજૂ કરી હતી.
અરજદારે સુનાવણીમાં જણાવ્યું હતું કે, તેને આરટીઆઇ દ્વારા વિગતો માંગી હતી અને તે તલાટીએ આપી દીધી હતી. મારી આ આરટીઆઇની અરજીને ફરિયાદનું સ્વરૂપ આપીને હાલોલ તાલુકા વિકાસ અધિકારીએ કોઈ રાજકીય દબાણ હેઠળ અમને ગેરમાર્ગે દોરેલ છે અને અમારી ગ્રામપંચાયત પ્રત્યે તેમનું ઓરમાયું વર્તન છતું કર્યા હોવાનું જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ આ સુનાવણી અને ખુલાસો અંતે જેપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા ઉપરથી દુર કરવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર મામલે હાલ બંને ગૌચરના સર્વે નંબરોમાં પોલિકેબ કંપની દ્વારાકરવામાં આવી રહેલી કામગીરી અટકાવવા અને ગ્રામ પંચાયતનો ઠરાવ રદ્દ કરી આ જમીનનો કબજો પુન: ગ્રામ હસ્તક કરવો કે કેમ ? તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. અને તલાટી સામે પણ કોઈ જ શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવતા આ સમાગ મામલો માત્ર સરપંચને ટાર્ગેટ કરીને ઉભો કરવામાં આવ્યું હોવાનું હાલ કરવામાં આવેલી કામગીરી જોતા લાગી રહ્યું છે.