સંતરામપુર,અત્યારે ટેકનોલોજીના યુગમાં મોબાઇલ એ સૌથી જરૂરી સાધન બની ગયું છેઙ એકબીજાની સાથે કનેક્ટવિટી સાધવા તેમજ સંપર્ક કરવા માટે મોબાઈલ એ અતિ આવશ્યક વસ્તુ છે, પરંતુ આપણી પાસે મોબાઇલ હોય અને તેમાં ટાવર જ ન હોય તો તે મોબાઇલ કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવતો નથી અને તેના કારણે કેટલીએ મુશ્કેલીઓ પડે છે.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા થી માત્ર દસ બાર કિલોમીટર દૂર આવેલા સંતરામપુર તાલુકાના મોઇલાપડ ગામમાં જિલ્લાના મુખ્ય મથકથી આટલા નજીક આવેલા ગામમાં મોબાઇલ ટાવર ન હોવાના કારણે લોકોને ભારે હાલાકી પડે છે. મોઇલાપડ ગામની અંદર અંદાજિત 1100થી વધુની વસ્તી છે. જેમાં લગભગ 200 પરિવારો વસવાટ કરે છે અને આ તમામ લોકો મોબાઇલ કનેક્ટિવિટી ન હોવાના કારણે ભારે હાલાકી વેઠી રહ્યા છે. અહીંયા સ્થિતિએ સર્જાય છે કે કોઈની સાથે જો સંપર્ક કરવો હોય તો ગામની બહાર બે કિલોમીટર દૂર જવું પડે ત્યારે નેટવર્ક આવે છે. ત્યારે લોકો મોબાઇલની અંદર એક પોઇન્ટ આવે એના માટે છેક ધાબા ઉપર ચડે છે અથવા તો જીવના જોખમે ઝાડ ઉપર ચડે છે, છતાં પણ સંપર્ક થઈ શકતો નથી.
21 મી સદી એટલે કે ટેકનોલોજીનો યુગ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જિલ્લાના મુખ્ય મથકથી માત્ર દસ બાર કિલોમીટર દૂર આવેલા આ ગામની અંદર મોબાઈલ કનેક્ટિવિટી જ નથી. જો ગામની અંદર કોઈ વ્યક્તિને આકસ્મિક 108 બોલાવવાની જરૂર પડે તો પહેલા તો બે કિલોમીટર દૂર જઈ અને 108 માં ફોન કરવાનો અને ત્યારબાદ 108 અહીંયા પહોંચે અને જો ઈમરજન્સી હોય તો શું સ્થિતિ સર્જાઈ એ પણ એક પ્રશ્ર્ન છે. તો બીજી તરફ જો આકસ્મિક સંજોગોમાં આગ લાગે અને ફાયર વિભાગને સંપર્ક કરવો હોય તો પણ તેવી જ સ્થિતિ સર્જાય કે બે કિલોમીટર દૂર જઈ અને ફાયર વિભાગને સંપર્ક કરવો પડે અને ફાયર અહીંયા પહોંચે ત્યાં સુધી તો બધું બળીને ખાખ થઈ ગયું હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે ગામના સરકારી વિભાગમાં ફરજ બજાવતા જે કર્મચારી છે. તેમને પણ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટની આપ-લે કરવી હોય અથવા તો માહિતી મોકલવી હોય તો તેમણે પણ ગામથી બે કિલોમીટર બહાર જઈ અને ફોન કરે ત્યારે સંપર્ક થઈ શકે છે. આવી સ્થિતિમાં મોઇલાપડ ગામના રહીશો જીવન જીવી રહ્યા છે.