ધોમધખતા તાપની પ્રતિકૂળ અસરોથી બચવા માટે દાહોદવાસીઓ માટે આરોગ્યલક્ષી સૂચનો

દાહોદ,ધોમધખતો તાપ પડી રહ્યો છે, ત્યારે આવી ગરમીમાં આરોગ્ય પ્રત્યે જરા પણ લાપરવાહી આરોગ્ય પર પ્રતિકૂળ અસરો થઈ શકે છે. દાહોદના નાગરીકોએ ગરમીથી બચવા ઉપાયો અવશ્ય કરવા જોઈએ જેથી લું લાગવા જેવી બાબતોથી બચી શકાય.

ગરમીના લીધે લૂ લાગવાના તેમજ બેભાન બનવાના બનાવો વધે તે પહેલા નાગરિકોએ શું કાળજી રાખવી જોઈએ, તે માટે 108 અને આરોગ્ય વિભાગ દ્વારા લોક ઉપયોગી સૂચનો જાહેર કરવામાં આવ્યાં છે.

જેને ધ્યાનમાં લઇને જિલ્લાના નાગરિકો ઉનાળાના આ બળબળતી બપોરના ધોમધખતા તડકામાંથી પોતાની જાતનું રક્ષણ કરી શકે છે અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરી શકે છે.

આ અંગે 108 ના પ્રોગ્રામ મેનેજર દ્વારા જણાવવામાં આવેલ સૂચનોમાં જણાવવામાં આવ્યું છે કે, સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું, ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા આખી બાયના કપડાં પહેરવાં, મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવું જોઈએ.જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરી શકાય, નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ.

આ ઉપરાંત ગરમીની પણ અસર દેખાય તો નજીકના દવાખાનામાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લૂ લાગવાના ચિન્હો જણાય તો તરત જ 108ને મદદ માટે કોલ કરવો જોઈએ. જે વ્યક્તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવો જોઈએ. લૂ લાગી હોય તેને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતાં મૂકી શકાય, આઈસ પેક હોય તો જાંઘ અને બગલના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્ણતામાન તરત જ નીચું લાવી શકાય છે. જો તડકામાં કામ કરતાં હોય તો દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ, ગરમીની ઋતુમાં બજારનો ઉઘાડો અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઇએ જેથી ઊલટી જેવી બીમારીથી બચી શકાય.

108 સેવામાં ગરમીની ઋતુ દરમિયાનના આવતાં કેશોને લડત આપવામાં માટે એમ્બ્યુલન્સ સેવામાં પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે યોગ્ય દવાઓ જથ્થામાં રાખવામાં છે. જેમાં ગ્લુકોજ, ઓરલ રેહ્યાડ્રેશન સોલ્યુશન જેવી દવાઓ અને લૂ લાગવાના દર્દીઓ માટે તાલીમબદ્ધ કર્મચારીઓએ સાથે તત્પર અને કટિબદ્ધ રહે છે.