સંજેલી નલ સે જલ યોજનાની અધુરી કામગીરીને લઈ બિલના નાણાં સ્થગિત કરવા રજુઆત

સંજેલી,સંજેલી નગરમાં છેલ્લા દોઢેક વર્ષ પહેલા ચાલુ કરવામાં આવી હતી. નગરમાં પણ આ યોજના અંતર્ગત લોકોને ધરે ધરે પાણી પહોંચાડવા માટેની નલ સે જલ યોજના ચાલુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નગરમાં કોન્ટ્રાકટર દ્વારા જયાં મન ફાવે ત્યાં રસ્તાની વચ્ચો વચ ખાડા ખોદી નાંખવામાં આવ્યા હતા. અને પાઈપલાઈન નાંખવામાં આવી હતી. થોડા સમય કામગીરી ચાલી પણ રસ્તાની વચ્ચે પાઈપો દબાવીને કોન્ટ્રાકટર પચાસ ટકા રકમ લઈને જતો રહ્યો હતો. હાલમાં નલ કનેકશનની પાઈપો રસ્તામાં ચાલતા વાહનોની નીચે દબાઈને તુટી જવા પામી છે. અને આઠ ફળિયાઓમાં કોઈપણ જાતની પાઈપલાઈન નાંખવામાં આવી નથી. સંજેલી પંચાયત દ્વારા પહેલા પાણી આપવામાં આવતુ હતુ તે પણ અમુક વિસ્તારોમાં પાઈપલાઈનો કાપી નંખાતા પાણી આવવાનુ બંધ થઈ ગયુ છે. ત્યારે સ્થાનિકોએ ટેન્કરો દ્વારા વેચાતુ પાણી લેવાનો વારો આવ્યો છે. હાલમાં કોન્ટ્રાકટર દ્વારા બાકીના નાણાં માટે જિલ્લાકક્ષા તેમજ પંચાયતને પત્ર લખવામાં આવ્યો છે કે 80 ટકા જેટલી નલ સે જલની કામગીરી પુર્ણ કરી છે. અમારા બાકી નીકળતા નાણાં અમને આપવામાં આવે. આ પત્રમાં અનુસંધાનમાં પંચાયત બોડી તેમજ પાણી સમિતિ દ્વારા જિલ્લાકક્ષાએ આ કોન્ટ્રાકટરને 100 ટકા કામગીરી પુર્ણ ન કરે ત્યાં સુધી કોઈપણ જાતના બિલના મંજુર કરવા પત્ર લખવામાં આવ્યો છે. સરકારની આ યોજના સંજેલી નગર માટે ખોરંભે ચઢી હોય તેમ જણાઈ આવ્યુ છે. નગરજનોની માંગ છે કે સરકારી અધિકારીઓ દ્વારા અધુરુ કામ મુકીને ચાલી ગયેલા કોન્ટ્રાકટર પર કડક પગલા ભરવામાં આવે અને નલ સે જલ યોજનાની અધુરી રહેલ કામગીરી સત્વરે પુર્ણ કરવામાં આવે તેમ જનતા ઈચ્છી રહી છે.