પિલીભીત,લોક્સભાની ચૂંટણી પછી ભાજપના સાંસદ વરૂણ ગાંધી પોતાના જ પક્ષની સરકાર ઉપર સતત પ્રહારો કરી રહ્યા છે તેટલું જ નહી પરંતુ વિવાદાસ્પદ વિધાનો પણ કરી રહ્યા છે. જે કેટલાય વિડીયોમાં વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વધુ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વરૂણ ગાંધી પોતાના જ પક્ષની સરકાર ઉપર વરસતા જોવા મળે છે તેમાં તેઓએ ભાજપની સરકારમાં રહેલા એક મંત્રી ઉપર તૂટી પડયા હતા.
પિલીભીત વિસ્તારના બલૌરી ખોડામાં આયોજિત એક જન-સંવાદમાં તેઓએ કહ્યું હતું કે, જેઓમાં અમારા ચંપલ ઉપાડવાની પણ ઔકાત ન હતી તેઓ આજે મંત્રી બની ગયા છે. તેઓ આજે પાંચ પાંચ ગાડીઓના કાફલામાં જાય છે. જે ચૂંટણી જીત્યા પછી મોટી મોટી કોલોનીઓમાં જ ફરી રહ્યા છે. પહેલા તો તેઓ કદાચ ભાડાની મોટરોમાં જ જતા હશે પરંતુ આજે પાંચ- પાંચ ગાડીઓના કાફલામાં મુસાફરી કરે છે. આટલું જ નહીં પરંતુ તેમણે સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર પર પણ હુમલા કર્યા હતા. ઇશારા- ઇશારામાં ભાજપના એકમંત્રી ઉપર હુમલો કરતા કહ્યું હતું હું તેવો નેતા નથી કે જે ચૂંટણી જીત્યા પછી મોટી મોટી ગાડીઓમાં ફરે. આ ગાડીઓની કિંમત તો તમારા સંતાનો માટે સ્વપ્ના સમાન લાગે.
તેમણે વધુમાં કહ્યું હતું કે જો તમે થાણા ઉપર (પોલીસ થાણા ઉપર) જશો અને પેન્શન કે આવાસ માટે જશો તો પણ તમારે લાંચ આપવી જ પડશે. આ બધું ગુલામીથી ઓછું નથી.
જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જાતિ અને ધર્મને બહેકાવી વૉટ લેવાય છે. ભ્રષ્ટાચાર અંગે પ્રશ્ર્ન ઉઠાવતા તેમણે કહ્યું, સરકારમાં બેઠેલા અધિકારીઓમાં તો નાકની નીચે લીલીના દર્શન કરાવ્યા સિવાય કામ નથી થતું. આ વાત મેં ખેડૂત આંદોલન સમયે પણ કરી હતી.
વરૂણ ગાંધીના આ ઉગ્ર નિવેદનો અંગે નિરીક્ષકો તો સ્પષ્ટત: કહે છે કે સમાજવાદી સમાજ રચના જેમના લોહીમાં વહી રહી છે તેવા વરૂણ ગાંધી ભાજપની ઓલગાર્ડી (શ્રીમંતશાહી) પ્રત્યે નારાજ હોય તેમાં આશ્ર્ચર્ય નથી સાથે તેમ પણ કહે છે કે, ભાજપના કેટલાક ભ્રષ્ટ નેતાઓ તેમને પક્ષમાંથી જ દૂર કરવા માંગે છે પરંતુ તેમના કુટુંબનો પ્રભાવ હજી તેટલો છે તેમ કરી શકે તેમ નથી. દૂરદૂરનો સંભવ તે પણ છે કે તેઓ રાહુલ ગાંધી સાથે મળી પણ જાય.