- અમે ચાર્જમાં છીએ અને અમે નક્કી કરીશું કે, કયા મામલાની સુનાવણી કરવી અને કેવી રીતે કરવી.: સીજેઆઇ
નવીદિલ્હી,સમલૈંગિક વિવાહને કાયદેસર માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ દ્વારા આ અરજીઓની સુનાવણી કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ મામલે સરકારનો પક્ષ સાંભળવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે આ મામલે અરજી દાખલ કરીને કોર્ટમાં આ મામલાની જાળવણી પર વાંધો ઉઠાવ્યો છે.
પાંચ જજોની બંધારણીય બેચ આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. બંધારણીય બેચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ એસઆર ભટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સમલૈંગિક લગ્ન અંગે સંસદને નિર્ણય લેવા દો. તેના પર સીજેઆઇ ડી વાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, અમે ચાર્જમાં છીએ અને અમે નક્કી કરીશું કે, કયા મામલાની સુનાવણી કરવી અને કેવી રીતે કરવી. સુનાવણી હાથ ધરવી કે નહીં તે અમે કોઈને કહેવાની મંજૂરી આપીશું નહીં. સોલિસિટર જનરલની અરજી પર ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, અમે આગામી તબક્કામાં કેન્દ્રની દલીલો સાંભળીશું.
સુપ્રિમ કોર્ટે નોંધ્યું હતું કે, અમે એ વાતનો ઇન્કાર નથી કરી રહ્યા કે, આ મામલામાં વિધાનસભાનો કોઈ એંગલ સામેલ છે. આ મામલે કંઈક નક્કી કરવા માટે આપણે બધું નક્કી કરી લેવાની જરૂર નથી. એક અરર્જીક્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, સમલૈંગિકોમાં એક્તા માટે લગ્ન જરૂરી છે. અન્ય એક અરર્જીક્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, ગૈર સમુદાયના લોકોને તેમના રોજિંદા અધિકારો જેમ કે બેંક ખાતા ખોલવા વગેરેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમલૈંગિકોના લગ્નને કાયદાકીય માન્યતા આપવાથી આવી સમસ્યાઓ દૂર થશે. સુનાવણી દરમિયાન બેચે નોંધ્યું હતું કે, ૨૦૧૮ની કલમ ૩૭૭ના નવતેજ કેસથી આજદિન સુધી આપણા સમાજમાં સમલૈંગિક સંબંધોને ઘણી સ્વીકૃતિ મળી છે અને આ એક મોટી ઉપલબ્ધિ છે.
બેચે જણાવ્યું હતું કે, વ્યાપક મુદ્દાઓને વિકસિત ભવિષ્ય માટે છોડી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં ૧૫ અરજી દાખલ કરવામાં આવી છે – અત્રે નોંધનીય છે કે, સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરતી ૧૫ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સોમવારના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે, લગ્ન એ એક સામાજિક સંસ્થા છે અને કોઈ નવા અધિકારો બનાવવાનો કે સંબંધને માન્યતા આપવાનો અધિકાર માત્ર વિધાનસભાને છે અને તે ન્યાયતંત્રના અધિકારક્ષેત્રમાં નથી. કેન્દ્ર સરકારે એમ પણ જણાવ્યું હતું કે, સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગણી કરતી અરજીઓ માત્ર શહેરી વર્ગના વિચારોને પ્રતિબિંબિત કરે છે અને તેને સમગ્ર દેશના નાગરિકોના મંતવ્યો તરીકે ગણી શકાય નહીં.