નડિયાદની વૃંદાવન હોટલમાં બુકાનીધારી ૧૦ શખ્સોએ ધમાલ મચાવી, તોડફોડ સાથે લૂંટ કરીને રફુચક્કર થઇ ગયા

નડિયાદ,નડિયાદમાં બાયપાસ રોડ પર આવેલૂ વૃંદાવન હોટલમાં બુકાનીધારી ૧૦ ઈસમોએ મધરાત બાદ ત્રાટકી તોડફોડ કરી લૂંટ આચરી પલાયન થયા છે. આ સમગ્ર મામલો સીસીટીવીમા કેદ થયો છે અને આ ફુટેજના આધારે હોટલ માલિકની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં આ હુમલો અને લૂંટ પિતરાઈ ભાઈઓએ માણસો મોકલાવી તોડફોડ કરી હોવાની શંકા ફરિયાદીએ કરી છે.

નડિયાદ તાલુકાના મરીડા સીમ વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય કેતનભાઇ નવઘણભાઈ ભરવાડ પોતે નડિયાદ બાયપાસ રોડ પર ગણેશ ચોકડીથી હેલીપેડ જવાના માર્ગ પર આવેલ પોતાના કાકા માંડણભાઈ નથુભાઈ ભરવાડની વૃંદાવન હોટલમાં ચા બનાવવાનું કામ કરે છે. સાથે ચા નાસ્તાનું વેચાણ પણ કરે છે. કેતનભાઇના કાકા મંડાણભાઈ અને ગગજીભાઈ આલાભાઈ ભરવાડ (રહે.હાથજ) બંને ભાગીદારીમાં આ હોટલ ચલવે છે. આ હોટલ ચાલુ કરી ત્યારથી જ કેતનભાઇ ભરવાડના કુટુંબી ભાઈ રાજેશ ઉર્ફે નવઘણ ભાનુભાઈ ભરવાડ (રહે.આસ્થા બંગ્લોઝ, કપડવંજ રોડ, નડિયાદ) નાઓની સાથે મન દુ:ખ થયું હતું. જેથી આ બાબતે રાજેશ ઉર્ફે નવઘણ ભરવાડ તથા તેમના કુટુંબીભાઈ બાલા નાગજીભાઈ ભરવાડ તેમજ સવા ઉર્ફે ટેણીયો ગેલા ભરવાડ (રહે.કૃષ્ણનગર, મરીડા) સાથે અવાર નવાર આ માંડણભાઈની હોટલ પર આવી ત્રણેય જણા બોલાચાલી કરી ઝઘડો કરતા હોય છે. બે એક દિવસ ઉપર આ લોકોએ ધમકી પણ આપી હતી. ઉપરોક્ત હોટલ કેતનભાઇ ભરવાડે બંધ કર્યા બાદ રાત્રિના ૩ વાગ્યાની આસપાસ અહીંયા આ કેતનભાઈ ભરવાડ જાગતા સુઈ રહ્યા હતા. ત્યારે ઉપરોક્ત કૌટુંબિકભાઈ નવઘણ ભાનુભાઇ ભરવાડ હોટલ આગળ આવ્યા હતા અને કંઈ પણ બોલ્યા વગર જતા રહ્યા હતા. આ બાદ ૩:૪૫ વાગ્યાની આસપાસ ૯થી ૧૦ અજાણ્યા વ્યક્તિઓ મોઢા પર બુકાની જેવું બાંધી હાથમાં દંડો તથા બેટ લઈ ૧૦ ચા પાર્સલ કરી આપવા આ કેતનભાઈ ભરવાડને જણાવ્યું હતું.

આ બાદ આ બુકાની ધારી વ્યક્તિઓએ એકાએક આ કેતનભાઇ ભરવાડ પર હુમલો કરી દીધો હતો. અને લાકડી તેમજ બેટ મારી મારવા લાગ્યા હતા. જેથી હોટલમાં હાજર આ કેતનભાઈના ફોઈનો દીકરો મહેશભાઈ મફતભાઈ ભરવાડ અને સુમીત્રાબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિઓ આ મહેશભાઈ ભરવાડને પણ માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ આ બુકાની ધારી વ્યક્તિઓએ હોટલના નાસ્તા કાઉન્ટર, ફ્રીજ, કોમ્પ્યુટર, એલીવેશન ગ્લાસ, પ્લાસ્ટિકના ટેબલ-ખુરશી તેમજ બહાર પાર્ક કરેલા બે બાઈકની તોડફોડ કરી હતી.