છોટાઉદેપુર,છોટાઉદેપુરના જનીયારા ગામમાં વીજળી પડતા ૨૧ વર્ષીય યુવતીનું કરૂણ મોત થયુ છે. યુવતી ઝાડ નીચે કામ કરતી હતી તે દરમિયાન યુવતી પર વીજળી પડી હતી. જેમાં યુવતીનું મોત થયુ છે. રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમા છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ અને પવન ફુંકાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ વીજળી પડતા યુવતીનું મોત થયુ છે. રાજ્યમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં તાપી, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.