કર્ણાટકનો કિલ્લો સર કરવા ભાજપે ક્સી કમર, નડ્ડા, પીએમ મોદી, અમિત શાહ ગજવશે જાહેર સભાઓ

  • ભાજપ દ્વારા અત્યાર સુધી જેઓને ટિકિટ આપવામાં આવી છે તેવા પક્ષના મજબૂત નેતાઓના ભાઈ-ભત્રીજાઓ સામેલ.

નવીદિલ્હી,ભાજપે ૧૦ વધુ ઉમેદવારોના નામની જાહેરાતની સાથે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે તેની ત્રીજી યાદી પણ બહાર પાડી છે. ૧૦ ઉમેદવારોની આ યાદી સાથે, ભાજપે અત્યાર સુધીમાં તેના કુલ ૨૨૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ૧૦ ઉમેદવારોની યાદીમાં કુલ ૨ મહિલાઓને સ્થાન મળ્યું છે. જો આ યાદીના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો, ભાજપે જગદીશ શેટ્ટરની જગ્યાએ મહેશ તંગિનકાઈને ટિકિટ આપી છે, જેઓ હુબલી ધારવાડના જૂના નેતા હતા. હવે શેટ્ટર એ જ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

વર્તમાન ધારાસભ્ય અને અનુસૂચિત જાતિના નેતા અરવિંદ લિંબાવલી અને કૃષ્ણરાજા વિધાનસભાના મજબૂત ધારાસભ્ય એસએ રામદાસની ટિકિટ કાપવામાં આવી છે. જોકે અરવિંદ લિંબાવલીની પત્ની મંજુલા અરવિંદ લિંબાવલીને, લિંબાવલીની મહાદેવપુરા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી. યાદીમાં બીજી મહત્વની વાત એ છે કે ઉમેશ શેટ્ટીને હવે બેંગ્લોરના ગોવિંદરાજ નગરમાં વી સોમન્નાની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. સેફ સીટ માનવામાં આવતા ગોવિંદ નગરથી ટિકિટ કાપીને, ભાજપે પહેલાથી જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સોમન્નાને કોંગ્રેસના સિદ્ધારમૈયાની વરુણા અને ચામરાજ નગર સીટ પરથી ઉમેદવાર જાહેર કરી દીધા છે.

યાદીમાં ત્રીજી મહત્વની વાત એ છે કે કોપલના સાંસદ સંગન્ના કરાડીની પુત્રવધૂ મંજુલા અમરેશે કોપલથી ટિકિટ આપી છે. કરાડી ત્યાં મજબૂત પકડ ધરાવતા હોવાનુ માનવામાં આવે છે. તેમજ અરવિંદ લીંબાવલીના પત્ની મંજુલા અરવિંદ લીંબાવલીને મહાદેવપુરામાંથી ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે ભાજપ દ્વારા અત્યાર સુધી જેઓને ટિકિટ આપવામાં આવી છે તેવા પક્ષના મજબૂત નેતાઓના ભાઈ-ભત્રીજાઓમાં પણ કરાડીનું નામ ઉમેરાયું છે.

આ પહેલા ભાજપે નિપ્પાનીથી ચિક્કોડીના સાંસદ અન્નાસાહેબ જોલેની પત્ની શશિકલા જોલેને ટિકિટ આપી છે. આ સિવાય કલબુર્ગી સાંસદ ઉમેશ જાધવના પુત્ર અવિનાશ જાધવને ચિંચોલીથી બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે કર્ણાટકના પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ ઉમેશ કટ્ટી પરિવારને ૨ ટિકિટ આપી છે. ઉમેશ કટ્ટીના પુત્ર નિખિલ કટ્ટી અને ભાઈ રમેશ કટ્ટીને ટિકિટ આપવામાં આવી હતી. આ સિવાય કર્ણાટકમાં ભાજપનો મજબૂત આધારસ્તંભ ગણાતા રમેશ જરકીહોલી પરિવારને પણ બે ટિકિટ આપવામાં આવી છે.

જો કે, કર્ણાટકમાં સત્તા જાળવી રાખવાના સંઘર્ષમાં ભાજપને સૌથી મોટો ફટકો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પ્રભાવશાળી લિંગાયત નેતા જગદીશ શેટ્ટરનું રાજીનામું અને તેમનું કોંગ્રેસમાં જોડાવું હતું. આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવડી પણ લિંગાયત નેતા છે અને તેઓ પણ રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. જગદીશ શેટ્ટર લિંગાયત સમુદાયમાં સારા અનુયાયીઓ ધરાવે છે અને રાજ્યની ૧૮ થી ૨૦ બેઠકો પર તેમનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. તેઓ હુબલી-ધારવાડ મય પ્રદેશમાંથી ૬ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

શેટ્ટરના નિવેદન બાદ ભાજપે તેમના જ લિંગાયત સમુદાયના સૌથી મોટા ચહેરા ગણાતા બીએસ યેદિયુરપ્પાને તેમની વિરુદ્ધ નિવેદન આપવા માટે મેદાનમાં ઉતાર્યા હતા. યેદિયુરપ્પાએ કહ્યું કે જગદીશ શેટ્ટર અને લક્ષ્મણ સાવદીએ તેમના વચનો તોડ્યા છે અને પાર્ટી તેમને ક્યારેય માફ નહીં કરે. કર્ણાટકની લડાઈમાં આ બળવાના કારણે ભાજપ થોડી નબળી દેખાઈ રહી છે. દરમિયાન, પાર્ટીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે અન્ય રાજ્યોમાંથી પાર્ટીના હજારો કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છે.