અમારી મિત્રતા, મિત્રતા નહીં પણ સંબંધ છે : ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ મહાસચિવ સાથે મુલાકાત કરી

  • વેણુગોપાલે કહ્યું- વિપક્ષ એક થઈને મોદીની તાનાશાહી સામે લડશે.

મુંબઇ,કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંનેએ વિપક્ષની એક્તા અને ભાજપ દ્વારા કેન્દ્રીય એજન્સીઓના કથિત દુરુપયોગ અંગે વાતચીત કરી હતી. વેણુગોપાલે કહ્યું કે વિપક્ષ સાથે મળીને નરેન્દ્ર મોદીની તાનાશાહી સામે લડશે.

ઉદ્ધવ ઠાકરે કેસી વેણુગોપાલ સાથે સહમત થયા અને કહ્યું કે દરેકની પોતાની વિચારધારા છે, પરંતુ અત્યારે તેમની લડાઈ બંધારણને બચાવવાની છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે મિત્રતા નિભાવીએ છીએ ત્યારે તે મિત્રતા નથી, સંબંધ હોય છે. અમે ૨૫ વર્ષ સુધી ભાજપને સમર્થન આપ્યું, પરંતુ તેઓ સમજી શક્યા નહીં કે કોણ મિત્ર અને કોણ દુશ્મન છે.

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ગયા અઠવાડિયે વિપક્ષની એક્તા અંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને એનસીપીના વડા શરદ પવારને મળ્યા હતા. બિહારના બે નેતાઓ આ જ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા.બેઠક બાદ વેણુગોપાલે કહ્યું કે હું અહીં ઉદ્ધવજીને મળવા અને તેમને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સંદેશ આપવા આવ્યો છું. તેમનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે – ભારત અને મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં, ઉદ્ધવજી લોકશાહીની વિરુદ્ધ કામ કરતી શક્તિઓ સામે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે લોકશાહીનો સંપૂર્ણ નાશ કર્યો છે. ઇડી અને ઉપયોગ ઉદ્ધવજીની પાર્ટી સહિત અન્ય પાર્ટીઓને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

વેણુગોપાલે કહ્યું કે અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે, કોંગ્રેસ, સેના અને એનસીપીની વિચારધારામાં તફાવત હોઈ શકે છે, પરંતુ હાલમાં દેશ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અમે આવી મુશ્કેલીઓ પહેલા ક્યારેય જોઈ ન હતી. તેથી અમે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી અને આ નિષ્કર્ષ પર આવ્યા કે આપણે સાથે મળીને આ લોકો સામે લડવાનું છે. વેણુગોપાલે એ પણ માહિતી આપી હતી કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરેને મળશે.

ભાજપે ઘણી વખત વિપક્ષ પર નિશાન સાધ્યું છે કે ઘણા મામલાઓમાં મતભેદો અને દુશ્મનાવટ હોવા છતાં વિપક્ષ એક સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક દિવસ પહેલા, કોંગ્રેસના નેતા અજય માકને પાર્ટીને અપીલ કરી હતી કે કેજરીવાલ પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન દર્શાવો કારણ કે તે પાર્ટીના કાર્યકરોને મૂંઝવણમાં મૂકશે અને ભાજપને ફાયદો કરશે.

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને લઈને વિરોધ પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે. આ અંતર્ગત NCP  નેતા શરદ પવાર ગુરુવારે સાંજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ બેઠક દિલ્હીમાં ખડગેના નિવાસસ્થાને થઈ હતી. આ પહેલા રાહુલ બુધવારે નીતિશ કુમારને મળ્યા હતા.