એલજીએ દિલ્હી સરકાર દ્વારા સામાન્ય જનતાને આપવામાં આવતી વીજળી સબસિડી પાછી ખેંચવા માટે વીજળી વિભાગ પર દબાણ કર્યું છે.

આમ આદમી સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધી રહ્યો છે. ફરી એકવાર લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. એલજીએ કેજરીવાલને પત્ર લખીને કહ્યું છે કે AAP સરકાર તેમના પર ખોટા આરોપો લગાવીને સામાન્ય જનતાને ગુમરાહ કરી રહી છે. તેમણે સરકાર દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોના પુરાવા માંગ્યા છે.

એલજી વિનય કુમાર સક્સેનાએ પત્રમાં લખ્યું છે કે, ભૂતકાળમાં તમારી પાર્ટીના લોકો અને તમારા કેબિનેટ સહયોગી, પાવર અને સ્વાસ્થ્ય મંત્રીએ તેમની વિરુદ્ધ ખોટા, ભ્રામક, વાંધાજનક અને બિન-સાધારણ નિવેદનો આપ્યા છે. તેની જવાબદારી સુનિશ્ર્ચિત કરવી જોઈએ. પત્રમાં ઉદાહરણ આપતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું છે કે ઘણી વખત તમારા તરફથી નિવેદન આપીને કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન અને એલજી દિલ્હીમાં વીજળી પરની સબસિડી ખતમ કરવા માંગે છે, જ્યારે તેઓ હંમેશા તેના પક્ષમાં છે. ગરીબોને સબસિડી મળવાનું ચાલુ છે. એલજીએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે આ બધું સસ્તી અને ગંદી રાજનીતિ હેઠળ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. શું તમે મને એવો કોઈ દસ્તાવેજ બતાવી શકો છો જેમાં સબસિડી બંધ કરવાનું કહેવામાં આવ્યું હોય?

પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે ઉર્જા પ્રધાન હતા જેમણે સબસિડી સંબંધિત ફાઇલ ફાઇલ કરવામાં અને કેબિનેટને મોકલવામાં વિલંબ કર્યો હતો. જે બાદ તેમણે પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને ખોટા નિવેદનો આપ્યા હતા. તેમણે કહ્યું છે કે આપ મીડિયા સમક્ષ તમારા દ્વારા કરવામાં આવેલા દાવા મુજબના દસ્તાવેજો રજૂ કરે, નહીં તો એવું માનવામાં આવશે કે આપ જાણી જોઈને દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે અને ગંદી રાજનીતિ રમી રહી છે, જે નિંદા અને કાયદાકીય કાર્યવાહીને પાત્ર છે.

તમને જણાવી દઈએ કે ૧૪ એપ્રિલના રોજ ઉર્જા મંત્રી આતિશીએ એલજી પર આરોપ લગાવ્યો હતો કે, ખોટી કાયદાકીય સલાહના આધારે એલજીએ દિલ્હી સરકાર દ્વારા સામાન્ય જનતાને આપવામાં આવતી વીજળી સબસિડી પાછી ખેંચવા માટે વીજળી વિભાગ પર દબાણ કર્યું છે.