
રાજકોટ,કુરિવાજો બંધ કરવા રાજકોટમાં ભરવાડ સમાજ સેવા સમિતિએ આવકારદાયક પહેલ કરી છે. ભરવાડ સમાજે સામુહિક પહેરામણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે અમુક જૂના નિયમો આજના યુગમાં દરેક લોકોને પોસાય તેમ ન હોવાના કારણે આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ અંગે બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે.
અત્યાર સુધીમાં રૈયા રોડ, રામનાથપરા, ચુનારાવાડ, ખોડિયારપરા, રાજકોટ યાર્ડ નજીક આવેલ ભરવાડ સમાજની વાડી, પાંજરાપોળ, પોપટપરા વિસ્તારમાં બેઠક મળી ગઇ છે. આ બેઠકમાં સમાજના તમામ સભ્યો, મહિલાઓ, પરિવારજનો ઉપસ્થિત રહે છે અને તેમને કુરિવાજોને કારણે પડતી મુશ્કેલી, સમસ્યા વિશે સમજાવવામાં આવે છે. આ માટે યુવાનોની ટીમ પણ બનાવાઈ છે.
ભરવાડ સમાજે કરેલી આવકારદાયક પહેલની વાત કરીએ તો હવે સામસામે લગ્ન હોય તો ૮ તોલા અને એક જ દીકરાના લગ્ન હોય તો ૧૦ તોલા સોનું ચઢાવાશે. છાબ પેટે માત્ર રૂ. ૨૧ હજાર જેટલી જ ટોકન રકમ લેવામાં આવશે અને તેમાંથી માત્ર જરૂર પૂરતી જ સાડી-ડ્રેસની ખરીદી કરાશે. તથા રોકડની લેતી-દેતીને પણ સદંતર બંધ કરાશે. આ સાથે પહેરામણી પ્રથા માત્ર શુકન પૂરતી જ રહેશે. જેમાં નજીકના જ સભ્યોને સાડી-શાલની પહેરામણી કરવાનો નિર્ણય લેવાયો છે.
ભરવાડ સમાજમાં હાલમાં જે પ્રથા અમલમાં છે તેની વાત કરીએ તો સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં ૨૦થી ૩૦ તોલા સોનું ચઢાવવામાં આવે છે. તથા છાબ પેટે લાખોની રકમ લેવાય છે અને તેમાંથી માત્ર કપડાની ખરીદી થાય છે. તથા મોટા પરિવારના કિસ્સામાં ઓછામાં ઓછી ૨૦૦ શાલ અને ૨૦૦ સાડીની પહેરામણી કરવી પડે છે. તથા લગ્ન નક્કી થયા બાદ લાખો રૂપિયાની રોકડની પણ લેતી-દેતી કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે ભરવાડ સમાજ કુરિવાજો બંધ કરવા માટે પ્રયત્નશીલ છે. મોટા પ્રમાણમાં સોનું ચઢાવવાને કારણે માતા-પિતાએ વ્યાજે પૈસા લેવા પડે છે અને તેઓ વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે. સોના-ચાંદીના વધતા જતા ભાવ અને મોંઘવારીને કારણે મજૂર, મધ્યમવર્ગીય પરિવાર પર આર્થિક ભારણ આવે નહીં તે માટે નિર્ણય લેવા સમાજના આગેવાનો નવું બંધારણ પણ તૈયાર કરી રહ્યા છે.