ગોધરા પાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટીક વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી

ગોધરા,ગોધરા નગર પાલિકા ટીમ દ્વારા ગોધરા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ કરતા વેપારીઓ સામે આજ રોજ ચેકીંગ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ટીમ દ્વારા 90 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા હાલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગોધરા શહેરમાં આજે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. જે અંગે ગોધરા નગર પાલિકાની ટીમ આજ રોજ ગોધરા શહેરનાં ગીદવાની રોડ ઉપર આવેલી રામદેવ પ્લાસ્ટિક નામની દુકાનમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન દુકાનમાંથી 90 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો હતો અને તે જથ્થો કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની ચેકીંગ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. જેના પરિણામે વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી.