ગોધરા,ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલી માં ગાયત્રી નગર સોસાયટી -2 નાં કેટલાક રહીશો દ્વારા જીવન ઉપયોગી પાણી તેમજ પોતાના ઘર વપરાશનાં પાણી જાહેર રસ્તા ઉપર કાઢી સોસાયટીના અન્ય રહીશોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનો આક્ષેપ સોસાયટીના રહીશો દ્વારા કરી આ મામલે પંચમહાલ જિલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ત્યારે રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગોધરા શહેરનાં બામરોલી રોડ ઉપર આવેલી માં ગાયત્રી નગર સોસાયટી-2 નાં અમુક માથાભારે રહીશો દ્વારા જીવન ઉપયોગી અમૂલ્ય પાણી તેમજ તેઓના ઘરના ડપટ નાં ગંદા પાણી, સાબુ, કપડાં અને વાસણ ધોઈને તે પાણી સોસાયટીના જાહેર રસ્તા ઉપર જ કાઢી અસહ્ય ગંદકી ફેલાવી રહ્યા છે અને રહીશોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. ત્યારે આ મામલે વારંવાર ગોધરા નગર પાલિકાના સત્તાધીશોને અને સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને રજૂઆત કરવા છતાં પણ સોસાયટીના માથાભારે રહીશો કોઈનું માનતા નથી અને પોતાની જ મનમાની કરી રહ્યા છે. જેના કારણે તાજેતરમાં જ સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી એ રાજીનામાં આપી દીધા હતા. ત્યારે સોસાયટીના માથાભારે રહીશો દ્વારા દરરોજ ગંદા પાણી જાહેર માર્ગ ઉપર કાઢી જે પાણી નીકળવાના કારણે અન્ય રહીશો પડી જવાના બનાવો પણ બનવા પામ્યા છે. ટૂ વ્હીલર વાહન ચાલકો પણ પડી જવાના કિસ્સા બન્યા છે. ત્યારે અમારા વિસ્તારમાં વિદ્યાર્થીનીઓ માટે ગુરૂકુળ શાળા પણ આવેલી છે. જેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ આ જ માર્ગ ઉપરથી પસાર થાય છે. ત્યારે સરકાર દ્વારા જળ એજ જીવન છે, તે દિશામાં લોકોમાં જાગૃતિ લાવવાના નવતર પ્રયત્નો કરી જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ અમારી સોસાયટીના રહીશો બીજા જ પ્રવાહમાં તણાઈ રહ્યા હોય તેમ હાલના સમયમાં લાગી રહ્યું છે.
ત્યારે આ મામલે આપ પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે સોસાયટીના રહીશોના હિતમાં સોસાયટીની સરપ્રાઇઝ વિઝિટ કરી વાસ્તવિક પરિસ્થિતિ થી માહિતગાર થઈ કસુર વાર રહીશો સામે આક્રમક અને દંડનીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.